હાદાનગરમાં મિલકત વિવાદ અને ત્રાસથી કંટાળી વૃદ્ધ મહિલાએ ફિનાઈલ પીધું
પરિવારજનો અને બુટલેગર સામે પુત્રના ગંભીર આક્ષેપ
મિલકત પચાવી પાડવાના પ્રયાસ અને ત્રાસનો આરોપ, ન્યાયની માંગ
મકાન પચાવી પાડવા પરિવારજનો અને બુટલેગરના ત્રાસથી કંટાળી વૃદ્ધ મહિલાએ ફિનાઈલ પીધું
શહેરના હાદાનગર વિસ્તારમાં મકાનના ભાગલા અને મિલકત પચાવી પાડવાના ઈરાદે પરિવારજનો તથા એક નામચીન બુટલેગર દ્વારા અપાતા સતત માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને એક વૃદ્ધ મહિલાએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે ભોગ બનનાર મહિલાના પુત્રએ ગંભીર આક્ષેપો સાથે ન્યાયની માંગ કરી છે.
ભાવનગરના હાદાનગર, શિવશક્તિ સોસાયટી-2, શેરી નંબર 2માં રહેતા હરેશભાઈ રાજુભાઈ પુનાણીના જણાવ્યા અનુસાર, છેલ્લા પાંચેક વર્ષથી તેમના ઘરના ભાગલા બાબતે વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદમાં તેમના પરિવારજનો મીનાબેન અજયભાઈ પુનાણી, અજયભાઈ ભૂપતભાઈ પુનાણી, વિજયભાઈ ભૂપતભાઈ પુનાણી અને જાગૃતિબેન વિજયભાઈ પુનાણી દ્વારા મકાન પચાવી પાડવા માટે સતત માનસિક ત્રાસ આપવામાં આવે છે. આ ત્રાસથી કંટાળીને હરેશભાઈ પોતે ભાડાના મકાનમાં રહેવા જતા રહ્યા હતા, પરંતુ તેમના વૃદ્ધ માતા ત્યાં એકલા રહેતા હતા. આક્ષેપ મુજબ, પરિવારજનો ઉપરાંત તેમના પિયર પક્ષેથી ગૌબેન ધીરુભાઈ મકવાણા અને તેમનો ભાઈ હરેશભાઈ (હરીશભાઈ) ધીરુભાઈ મકવાણા (રહે. સત્યનારાયણ સોસાયટી-2, આદિનાથ નગર, ભાવનગર) પણ અવારનવાર ઘરે આવીને ઝઘડો કરે છે. ભોગ બનનારના પુત્રએ વધુમાં આક્ષેપ કર્યો છે કે, હરીશભાઈ ધીરુભાઈ મકવાણા દારૂનો ધંધો કરતો નામચીન બુટલેગર છે અને ‘ડી-ડિવિઝન’ પોલીસ મથકમાં પોતાની પહોંચ હોવાની ધમકી આપે છે. તે અવારનવાર નશાની હાલતમાં આવીને અપશબ્દો બોલે છે અને “તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી દો, અમારું કોઈ કાંઈ બગાડી નહીં શકે” તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપે છે. આ ઉપરાંત, સામા પક્ષની મહિલાઓ દ્વારા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી અપાતી હોવાથી સુરક્ષાના ભાગરૂપે ઘરમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે., બે દિવસ અગાઉ કપડાં ધોવા જેવી સામાન્ય બાબતે વૃદ્ધ મહિલાના વાળ પકડીને માર મારવામાં આવ્યો હતો અને ગાળો બોલવામાં આવી હતી. તે સમયે હરેશભાઈ માતાને સમજાવીને પોતાના ભાડાના ઘરે લઈ ગયા હતા, પરંતુ ત્યારબાદ પરત મૂકી ગયા પછી આજે ફરીથી માનસિક ત્રાસ અપાતા બપોરે આશરે બે વાગ્યાના સુમારે ઘરે કોઈ હાજર નહોતું ત્યારે વૃદ્ધ માતાએ કંટાળીને ફિનાઈલ પી લીધું હતું. હાલ આ સમગ્ર મામલે ભોગ બનનાર પરિવારે જવાબદા રો સામે કડક પોલીસ કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે..
