સુરતમાં બાળકીના મોત બાદ આરોગ્ય વિભાગ સામે સવાલો,
કુમાર કાનાણીએ આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો
સુરતમાં પાંચ વર્ષની બાળકીના મોત બાદ હવે આરોગ્ય વિભાગની કામગીરી સામે જ સવાલો ઉઠી રહ્યા છે. તો ધારાસભ્ય કુમાર કાનાણીએ આરોગ્ય મંત્રીને પત્ર લખી અધિકારીઓની કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા હતાં.
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટનામાં પાંચ વર્ષની બાળકીના મોત બાદ મામલો હવે રાજકીય સ્તરે પણ ગરમાયો છે. ધારાસભ્ય કુમાર કાનાણીએ આરોગ્ય મંત્રીને પત્ર લખી આરોગ્ય વિભાગના અધિકારીઓની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. ધારાસભ્યએ સવાલ કર્યો છે કે હજારો કિલો અખાદ્ય જથ્થાનો નાશ થયો, ત્યારે જવાબદાર અધિકારીઓ ક્યાં હતા? ઘટના બન્યા બાદ જ અધિકારીઓ તપાસ માટે કેમ પહોંચે છે? કુમાર કાનાણીએ વધુમાં સવાલ કર્યો કે જો સમયસર કાર્યવાહી કરવામાં આવી હોત તો આટલો મોટો અખાદ્ય જથ્થો રેસ્ટોરન્ટ સુધી પહોંચ્યો જ કેવી રીતે? માત્ર રેસ્ટોરન્ટને સીલ કરવું કે નોટિસ આપવી એ કડક કાર્યવાહી નથી. લોકોમાં કાયદાનો ડર રહે અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે કાયદો જ વધુ કડક હોવો જોઈએ, તેવી માગ ધારાસભ્યએ કરી છે.
