આજે દેશભરમાં લાખો વિદ્યાર્થીઓ માટે નીટ યુજી પરીક્ષા

Featured Video Play Icon
Spread the love

આજે દેશભરમાં લાખો વિદ્યાર્થીઓ માટે નીટ યુજી પરીક્ષા
સુરતમાં પણ 10 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપી
સુરક્ષિત બનાવવા માટે વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી

આજે દેશભરમાં લાખો વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ ગણાતી નીટ યુજી પરીક્ષા યોજાઈ રહી છે. સુરતમાં પણ 10 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષામાં બેસી રહ્યા છે. પરીક્ષાને પારદર્શક અને સુરક્ષિત બનાવવા માટે વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી.

દેશભરમાં આજે નીટ યુજી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુરતના કુલ 10,301 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષા માટે શહેરમાં 22 પરીક્ષા કેન્દ્રો અને 22 રૂટ નક્કી કરવામાં આવ્યા છે. પરીક્ષાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ ઉપરાંત દિલ્હીથી સીઆઈએસએફના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. નીટ યુજી પરીક્ષા બપોરે 2 વાગ્યાથી સાંજે 5:15 વાગ્યા સુધી યોજાશે અને ઓએમઆર આધારિત પેન-પેપર પદ્ધતિથી લેવામાં આવશે. પરીક્ષામાં કુલ 180 પ્રશ્નો પૂછવામાં આવશે, જ્યારે કુલ 720 ગુણ નક્કી કરવામાં આવ્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ઉમેદવારોને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાની ખાસ સૂચના આપવામાં આવી છે. ઉમેદવારોને સવારે 11 વાગ્યાથી બપોરે 1:30 વાગ્યા સુધી કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે, જ્યારે 1:30 વાગ્યા બાદ કોઈપણ ઉમેદવારને પ્રવેશ આપવામાં આવશે નહીં. આ વખતે એનટીએ દ્વારા બાયોમેટ્રિક પ્રક્રિયા અંગે વિદ્યાર્થીઓને રાહત પણ આપવામાં આવી છે. જો કોઈ ઉમેદવારને બાયોમેટ્રિક વેરિફિકેશનમાં સમસ્યા સર્જાય, મશીનમાં ખામી હોય, ડેટાની ગુણવત્તા નબળી હોય, યુઆઈડીએઆઈ સર્વરમાં ટેક્નિકલ સમસ્યા હોય અથવા ઉમેદવાર બાયોમેટ્રિક આપવા સક્ષમ ન હોય, તો તેવા કિસ્સામાં ઉમેદવાર અંડરટેકિંગ ફોર્મ ભરીને પરીક્ષા આપી શકશે. ઉપરાંત સુપરવાઈઝરોને પણ પરીક્ષા દરમિયાન બાયોમેટ્રિક પ્રક્રિયાને લઈને ઉમેદવારોને અનાવશ્યક પરેશાન ન કરવા સૂચના આપવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓ નિર્વિઘ્ને અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *