ખેડા વસોની પેટલી પ્રાથમિક શાળામાં આચાર્યના વર્તનને લઈ વિવાદ.
આચાર્ય નરેન્દ્ર પટેલે શિક્ષકો પર ઢોળ્યો દોષનો ટોપલો.
શિક્ષકો કામ કરવા માગતા ન હોવાનો આચાર્યનો આક્ષેપ.
વસો તાલુકાની પેટલી પ્રાથમિક શાળામાં આચાર્ય અને શિક્ષકો વચ્ચેનો આંતરિક વિવાદ વધુ ઘેરો બન્યો છે. બંને પક્ષો દ્વારા એકબીજા પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ મામલે શિક્ષકોએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે, જેના પગલે તપાસ શરૂ કરવામાં આવી છે.
ખેડા વસોની પેટલી પ્રાથમિક શાળાના આચાર્ય નરેન્દ્ર પટેલે પોતાના પર લાગેલા આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમણે જણાવ્યું કે કેટલાક શિક્ષકો કામચોરી કરે છે અને શૈક્ષણિક કાર્યમાં કડકાઈ તથા શિસ્તનો આગ્રહ રાખતા હોવાથી તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આચાર્યે આ વિવાદને તેમને ફસાવવાનું અને દબાણમાં લાવવાનું શિક્ષકોનું ષડયંત્ર ગણાવ્યું છે, આચાર્ય નરેન્દ્ર પટેલે એક ચોંકાવનારો આક્ષેપ પણ કર્યો હતો. તેમણે કહ્યું કે જ્યારે તેઓ શાળામાં હાજર થયા, ત્યારે એક શિક્ષકે તેમને શાળામાં ન આવવા અને ઘરે બેઠા જ હાજરી પુરાવી દેવાની ઓફર કરી હતી. આ નિવેદનથી શિક્ષણ જગતમાં ચકચાર મચી છે અને શાળાના આંતરિક વહીવટ પર સવાલો ઉભા થયા છે. હાલમાં આ સમગ્ર મામલામાં સાચું કોણ અને જૂઠું કોણ તે અંગે રહસ્ય અકબંધ છે. ઉચ્ચ અધિકારીઓની તપાસ બાદ જ સત્ય બહાર આવશે કે ખરેખર આચાર્યના વર્તનમાં ખામી છે કે પછી શિક્ષકો દ્વારા કરવામાં આવેલા આક્ષેપો પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે. આ વિવાદને કારણે પેટલી ગામના વિદ્યાર્થીઓના વાલીઓમાં પણ ચિંતાની લાગણી જોવા મળી રહી છે.
બીજી તરફ, શાળાના શિક્ષકોએ શુક્રવારે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું હતું. તેમાં આચાર્યના વર્તન અને કાર્યપદ્ધતિ સામે ગંભીર ફરિયાદો કરવામાં આવી હતી. શિક્ષકોના મતે આચાર્યનું વર્તન અસહ્ય છે, જેના કારણે શાળાનું શૈક્ષણિક વાતાવરણ બગડી રહ્યું છે. આ વિવાદની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વસો તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરત પારેખ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પોતે પેટલી પ્રાથમિક શાળાએ પહોંચ્યા હતા અને ત્યાં હાજર સ્ટાફ તેમજ આચાર્ય સાથે પૂછપરછ કરી હતી. તેમણે શાળાના દફતરો અને હાજરી પત્રકોની પણ ચકાસણી કરીને પ્રાથમિક વિગતો એકત્ર કરી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
