અમદાવાદમાં જીન્સની ફેક્ટરીમાં સિવેજ ટેન્કમાં ઊતરેલા 3 યુવકનાં મોત
એક શ્રમિક ટેન્કમાં પડતાં અન્ય બે પણ બચાવવા પડ્યા,
ગેસ ગળતરથી મોત થયાનું અનુમાન
અમદાવાદના દાણીલીમડામાં આવેલી ફેક્ટરીમાં સંચાલકે સિવેજ ટેન્કની સફાઈ કરવા માટેનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જેમાં કોન્ટ્રાક્ટરે પાંચ માણસો સાથે ગઇકાલે કામગીરી કર્યા બાદ આજે અધૂૂરી કામગીરી પૂર્ણ કરવા આવેલા 3 શ્રમિક કામગીરી કરી રહ્યા હતા ત્યારે એક શ્રમિક ટેન્કમાં પડી જતા બચાવવા બીજા બે શ્રમિક પણ ટેન્કમાં પડ્યા હતા. જેમાં ત્રણેય લોકોને ગેસની ગંભીર અસર થઈ હતી. તમામને સારવાર માટે એલ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમના મોત થયા છે.
મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં દાણીલીમડા વિસ્તારમાં એમ.કે.ક્રિએશન નામની એક કંપની આવેલી છે જે કપડાં ધોવાનું કામ કરે છે. કંપનીના માલિક નૌસાદભાઈએ આ કંપનીની સિવેજ ટેન્કને સાફ-સફાઈ કરવા માટેનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જીગ્નેશ પુરબિયા નામના વ્યક્તિએ આ કોન્ટ્રાક્ટ લીધો હતો અને પાંચ વ્યક્તિઓ સાથે ટાંકી સાફ કરવાની શરૂઆત કરી હતી. ગઈકાલે સાંજે ટેન્કની સફાઈના કામની શરૂઆત કરાઈ હતી. અડધી સાફ-સફાઈ બાદ આજે સવારે કામગીરી પૂર્ણ કરવા સંદર્ભે આ કામમાં જોડાયેલા ત્રણ વ્યક્તિઓ આજે સવારે કંપનીમાં પહોંચ્યા હતા. આ અંગે કે ડિવિઝન એ.સી.પી. યુવરાજસિંહ ગોહિલે જણાવ્યું કે પ્રાથમિક દ્રષ્ટીએ અંડરગ્રાઉન્ડ સિવેજની ટાંકીમાં ગેસ ગળતર થયું તેના કારણે મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. આ અનુસંધાને દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધવાની તજવીજ હાથ ધરી છે. આ કંપનીના સંચાલક અને તેના ઓપરેટર કે જેને કોન્ટ્રાક્ટ લીધો છે તેને રાઉન્ડઅપ કરી પૂછપરછ ચાલું છે.
હાલ પ્રાથમિક દ્રષ્ટિએ શ્રમિકોને કોઈ સેફ્ટીના ઉપકરણો આપ્યા હોવાનું નજર આવેલ નથી. સીસીટીવી ફૂટેજ અને પૂછપરછ બાદ જરૂર હશે તો અન્ય કલમ એફઆઇઆરમાં ઉમેરવામાં આવશે. જેને રાઉન્ડઅપ કર્યા છે તેમનો કોઈ ગુનાહિત ઈતિહાસ સામે આવશે તો તાત્કાલિક એફઆઇઆર નોંધીને એરેસ્ટ કરવાની કાર્યવાહી કરાશે. કંપની એકાદ વર્ષથી બંધ હતી તેને ફરીથી શરૂ કરવાના અનુસંધાને ટેન્ક સાફ કરવાનો કોન્ટ્રાક્ટ સંચાલક દ્વારા આપવામાં આવ્યો હતો.,,કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી