ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હવે વ્યાજખોરો પર સ્ટ્રાઇક
દેશમાં પ્રથમવાર વ્યાજની રકમથી બનેલી મિલકતો જપ્ત કરી
હરાજીના પૈસા લોકો માટે વપરાશે, વટ પાડવા લીધેલાં ગન લાઇસન્સ રદ થશે
ગુજરાતમાં હવે રાજ્ય સરકાર વ્યાજખોરો પર સ્ટ્રાઇકની તૈયારીમાં છે. સુરતમાં ડુમસ વિસ્તારમાં નવા રોડના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીધામ પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ કરેલી કાર્યવાહીનો ઉલ્લેખ કર્યો
ગુજરાત તો બરાબર પણ દેશના ઈતિહાસમાં પહેલીવાર એવું થયુ હશે કે વ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ થાય, ગુના પછી ગુજસીટોક કરવામાં આવે, સાથેસાથે વ્યાજથી બનાવેલી પ્રોપર્ટી જપ્ત કરવામાં આવે. અને આ જપ્ત કરાયેલી પ્રોપર્ટીની આવનારા દિવસોમાં હરાજી બોલાવીને રાજ્યના નાગરિકોના હિતમાં તે રૂપિયા વપરાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની હંમેશા એ નીતિ રહી છે કે કારણ વગર ગન લાઇસન્સ રાખનાર અને તેનો ગેરઉપયોગ કરનાર સામે કડક કાર્યવાહી થાય. કેટલાક લોકો ફક્ત સોશિયલ મીડિયા પર પોતાની છબી ઊભી કરવા માટે, રીલ્સ બનાવવા કે જાહેરમાં ગન લઈને ફરવા માટે ગન લાઇસન્સ લે છે. આવા લોકોના લાઇસન્સ હવે તંત્ર દ્વારા ચકાસવામાં આવી રહ્યા છે અને લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી ઝડપથી આગળ વધી રહી છે.
હર્ષ સંઘવીએ વ્યાજખોરી વિરુદ્ધ ચાલતી કાર્યવાહીની વિગતો આપતાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે દેશના ઇતિહાસમાં પ્રથમવાર વ્યાજખોરો સામે સૌથી મોટું સ્ટ્રાઈક ઓપરેશન હાથ ધર્યું છે. અત્યાર સુધીમાં હજારો લોકો જે પોતાનું સોનું, ઘર કે માતાના મંગળસૂત્ર જેવી કિંમતી વસ્તુઓ ગીરવે રાખી દેવા મજબૂર બન્યા હતા. આવા નાગરિકોને ન્યાય મળ્યો છે અને તેમની મિલ્કત પાછી અપાવવા માટે રાજ્ય સરકારે મક્કમ પગલાં લીધા છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી