ઊંચા વળતરની લાલચ આપીને કરોડોની ઠગાઈ કરનાર શાહ દંપતીને ઝડપી પાડ્યા
કાપોદ્રા પોલીસ કેસમાં ઈકો સેલની કાર્યવાહી, શાહ દંપતીની ફરી ધરપકડ
રોકાણકારો સાથે 98 લાખની છેતરપિંડીનો ભંડાફોડ,
ઉંચા વળતરની લાલચ આપી રોકાણકારો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ આચરનાર શાહ દંપતીની ફરી ધરપકડ કરાઈ છે. 98.50 લાખની કાપોદ્રા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં ઈકો સેલ દ્વારા ધરપકડ કરાઈ હતી.
સુરત શહેરની આર્થિક ગુના નિવારણ શાખાએ ઊંચા વળતરની લાલચ આપીને રોકાણકારો સાથે લગભગ એક કરોડ રૂપિયાની છેતરપિંડી આચરનાર શાહ દંપતીની ધરપકડ કરી છે. વાત એમ છે કે ફરિયાદી મિલન ભરતભાઈ ભાતિયાની ફરિયાદના આધારે આ દંપતી વિરુદ્ધ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપી દંપતીએ તા. 18/11/2022 થી રોકાણકારોને આકર્ષવા માટે એક પૂર્વાયોજિત કાવતરું રચ્યું હતું. તેઓ રોકાણ પર 42 દિવસમાં 5 ટકા, 65 દિવસમાં 8 ટકા અને 100 દિવસમાં 12 ટકા જેવું ઊંચું વળતર આપવાની લોભામણી વાતો કરતા હતા. રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે, આ કંપની સેબીમાં રજિસ્ટર્ડ ન હોવા છતાં પણ તેઓ સેબીમાં રજિસ્ટર હોવાનું ખોટું જણાવીને લોકોને ગેરમાર્ગે દોરતા હતા. હાર્દિકકુમાર અશોકભાઈ શાહ અને તેની પત્ની પૂજાબેન શાહ છે, જેઓ શાહ ઈન્વેસ્ટમેન્ટ કંપનીના માલિક અને વહીવટકર્તા છે. શરૂઆતમાં થોડા રોકાણકારોને વળતર ચૂકવીને વધુ મોટા રોકાણો આકર્ષ્યા બાદ, દંપતીએ ચૂકવણી બંધ કરી દીધી હતી. ફરિયાદની વિગતો મુજબ, ફરિયાદીના 30,00,000 અને અન્ય સાહેદોના 68,50,000 મળીને કુલ 98,50,000 નું રોકાણ વળતર કે મુદ્દલ પરત કર્યા વિના ડુબાડી દીધું હતું. જ્યારે ફરિયાદીએ પોતાના રોકાયેલા રૂપિયાની ઉઘરાણી કરી, ત્યારે આરોપી હાર્દિક શાહે ઉશ્કેરાઈ જઈને માત્ર ગાળાગાળી જ નહોતી કરી, પરંતુ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આર્થિક ગુના નિવારણ શાખાએ ગંભીરતાથી આ કેસમાં તપાસ હાથ ધરી આરોપીઓ હાર્દિકકુમાર શાહ અને પૂજાબેન શાહની ધરપકડ કરી છે.
