સુરતમાં લિવ ઈનમાં રહેતા યુવક યુવતીનું રહસ્યમય મોત
ડુમસ દરિયા કિનારે બંને ગંભીર હાલતમાં મળી આવ્યા
108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા
હાલ આત્મહત્યા છે કે કુદરતી મોત છે કે કેમ તે અંગે રહસ્ય સર્જાયું છે.
સુરતમાં લિવ ઈનમાં રહેતા યુવક યુવતીનું રહસ્યમય મોત થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ડુમસ દરિયા કિનારે બંને ગંભીર હાલતમાં મળી આવ્યા બાદ બંનેને 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રેમિકાને મૃત જાહેર કરવામાં આવી હતી. જ્યારે પ્રેમી નું સારવાર દરમિયાન મોત થયું હતું. હાલતો આ પ્રેમી અને પ્રેમિકાના મૃતદેહને સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યા છે અને તેમનું મોતનું સાચું કારણો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, સુરતના વરાછા વિસ્તારમાં રત્નકલાકાર તરીકે કામ કરતા કાંતિભાઈ ડોબરીયાએ પુત્ર 32 વર્ષીય ભૌમિક ડોબરીયા સાથે એક વર્ષથી સંપર્ક કાપી નાખવામાં આવ્યો હતો. ભૌમિક બેકાર હતો અને કોઈ કામ ધંધો કરતો ન હતો. દરમિયાન ગત જાન્યુઆરી મહિનામાં ભૌમિક ઉધના વિસ્તારમાં રહેતી 24 વર્ષીય દીક્ષિતા નરેન્દ્રભાઈ ચૌહાણ સાથે ભાગી ગયા હતા. દિક્ષિતા પણ પરિવારની એકની એક દીકરી છે અને તેને એક ભાઈ છે. જેથી દિક્ષિતાના પરિવારજનો દ્વારા તમામને પોલીસમાં પણ જાણ કરવામાં આવી હતી. દિક્ષિતા પોલીસમાં હાજર થઈને તેને ભૌમિક સાથે રહેવાનું કહેતા પરિવાર એ પણ સંમતિ આપી દીધી હતી. ભૌમિક અને દિક્ષિતા રાજસ્થાનના સરહદી વિસ્તારમાં લિવ ઈનમાં રહેતા હતા. જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં આતંકવાદી હુમલો થયા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ભરી સ્થિતિ હતી ત્યારે ભૌમિક અને દિક્ષિતા બંને બે દિવસ માટે સુરત પિતા કાંતિભાઈ ના ઘરે આવ્યા હતા. ત્યારે બંને દીક્ષિતાના પરિવારને પણ મળ્યા હતા. આ બંને એકદમ સારી રીતે રહેતા હોય તે પ્રકારની વાતચીત કરી હતી. ત્યારબાદ બંને પરત રાજસ્થાન જતા રહ્યા હતા. દરમિયાન થોડા દિવસ પહેલા આ બંને ઇન્દોર થી ટ્રેનમાં સુરત આવ્યા હતા. ત્યારબાદ પરિવારને જાણ કરી ન હતી અને સીધા ડુમ્મસ દરિયા કિનારે જતા રહ્યા હતા.
ગતરોજ ભૌમિકે ફોન કરીને 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી ત્યારબાદ બંનેને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબે તપાસીને દિક્ષિતાને મૃત જાહેર કરી હતી. જ્યારે લોહીની ઉલટીઓ કરી રહેલા ભૌતિક ને તાત્કાલિક દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. રાત્રે 11 વાગે દીક્ષિતાનું મોત થયું હતું જ્યારે ભૌમિકનું સારવાર દરમિયાન સવારે પાંચ વાગ્યે મોત થયું હતું. આ બંનેના રહસ્યમય મોતના પગલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ બંનેના પોસ્ટમોર્ટમ પણ હાથ ધરવામાં આવ્યા હતા. પોસ્ટમોર્ટમ ના રિપોર્ટ બાદ બંનેના મોતનું સાચું કારણ સામે આવશે. જોકે હાલ આત્મહત્યા છે કે કુદરતી મોત છે કે કેમ તે અંગે રહસ્ય સર્જાયું છે.