મોડાસાના ગાઝણ ગામે લગ્નપ્રસંગમાં નશામાં ધૂત યુવકનો આતંક
તલવાર સાથે મંડપમાં ઘૂસ્યો, કારમાં તોડફોડ કરી,
જાનૈયાઓ પર હુમલાનો પ્રયાસ
મોડાસાના ગાઝણ ગામમાં એક લગ્નપ્રસંગમાં નશામાં ધૂત યુવકે આતંક મચાવ્યો હતો. કાનસિંહ કોદરસિંહ પરમારના ઘરે લગ્નપ્રસંગ ચાલી રહ્યો હતો. આ દરમિયાન તેમના જ કુટુંબનો અલ્પેશ પરમાર નામનો યુવક કાર લઈને લગ્ન મંડપમાં આવ્યો હતો.
નશાની હાલતમાં રહેલા અલ્પેશે મંડપમાં તોડફોડ મચાવી હતી. તેણે કારમાંથી તલવાર કાઢીને જાનૈયાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાથી લગ્નપ્રસંગમાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. લગ્નપ્રસંગમાં હાજર એક વ્યક્તિએ 112 નંબર પર પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને યુવકને તલવાર સાથે ઝડપી લીધો હતો. નશામાં ધૂત યુવકે પોલીસ સાથે પણ ગેરવર્તણૂક કરી હતી. મોડાસા રૂરલ પોલીસે અલ્પેશ પરમાર વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. ભોગ બનનાર પરિવારજનોએ જિલ્લા પોલીસ વડાને કડક કાર્યવાહી માટે લેખિત રજૂઆત કરી છે.