સુરતની બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં પિસ્તોલના નાળચે લૂંટ
કર્મચારીઓની રૂમમાં પૂરી 4.75 લાખની લૂંટ ચલાવી,
આરોપીને ઝડપવા પોલીસે પાંચ ટીમો બનાવી
સુરત શહેરના સચિન વિસ્તારમાં આજે (20 મે)એ ભરબપોરે બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં પિસ્તોલના નાળચે પોણા પાંચ લાખની લૂંટ થતા ચકચાર મચી છે. લૂંટની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
સુરતના સચિન વિસ્તારમાં આવેલી ગુજરાત ગ્રામીણ બેંકમાં લૂંટની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. બે કર્મચારીઓને રૂમમાં પૂરીને ૪.૭૫ લાખની લૂંટ કરી આરોપી ફરાર થઇ ગયા હતા. બેંકમાં લૂંટ થઇ હોવાની માહિતી મળતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા હતા, પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલે અલગ અલગ ૫ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. બેંકમાં લૂંટ થયાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા છે. પોલીસ દ્વારા તમામ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીઓને ઝડપી લેવા માટે ટેક્નિકલ સર્વેલન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સીસીટીવીના આધારે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવી રહ્યાં છે. પ્રાથમિક તબક્કે લૂંટારૂ જાણભેદું હોવાની શંકા સેવવામાં આવી રહી છે.