સુરતમાં સામૂહિક બળાત્કારના કેસમાં દોષિત 25 વર્ષની કેદ ભોગવી રહ્યો હતો
પેરોલ પરથી ફરાર થયેલા ગેંગરેપના દોષિતને ક્રાઇમ બ્રાંચે એમપીના મુરેનાથી પકડી પાડ્યો
સામુહિક બળાત્કારના ગુનામાં ઝડપાયેલો અને કોર્ટે 25 વર્ષની સજા ફરમાવેલી આરોપી પેરોલ પરથી ફરાર થયા બાદ હાજર થોય ન હોય જેને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે મધ્યપ્રદેશના મુરેનાથી ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
ગેંગરેપના ગંભીર ગુનામાં 25 વર્ષની કેદની સજા ભોગવનાર પેરોલ પર બહાર આવેલા અને ત્યાર બાદ ભાગી છૂટેલા દોષિત રામુસિંહ સિકરવારને મધ્યપ્રદેશના મુરેના જિલ્લાના જૌરા તાલુકાના ખીડોરા ગામેથી ઝડપી લેવામાં આવ્યો છે. દોષિત ગયા વર્ષથી પેરોલ રજા પરથી ફરાર હતો. તો કેસની વિત એમ છે કે ગત વર્ષ 2017ના ડિસેમ્બર મહિનાની બે તારીખના રોજ જ્યારે ફરિયાદી મહિલા અમદાવાદ-ગાંધીનગરથી બસમાં બેસીને સુરત આવી હતી. ત્યારે રાત્રે સેન્ટ્રલ બસ ડેપોના બાહ્ય ભાગમાં બાકડા પર બેઠેલી મહિલાને રામુસિંગ ઉર્ફે માલિયા સિકરવાર અને છોટારામ ઉર્ફે છોટુ કુશ્વાહે મળી પોતાની રિક્ષામાં બેસાડી આપી અને સારથાણા વિસ્તારમાં આવેલા પોતાના નિવાસસ્થાને લઈ ગયા હતા. ત્યાં આ બંને શખસોએ મહિલાને ગોંધી રાખી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટનામાં આરોપીઓ ગેંગરેપ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતાં. તો કેસની સમીક્ષા બાદ સુરતની વિશેષ અદાલતે બંને આરોપીઓને 25 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. દોષિત રામુસિંગ જે લાજપોર મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહ્યો હતો, અને વર્ષ 2023ના ડિસેમ્બર મહિનાની પહેલી તારીખે સુરત ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટના હુકમથી 15 દિવસની પેરોલ રજા મંજૂર કરાઈ હતી. અને 17 ડિસેમ્બર સુધી જેલમાં પરત ફરવાનું હતું, પરંતુ તે સમયે હાજર ન થતાં તેની સામે પેરોલ ભંગનો ગુનો નોંધાઈ ગયો હતો અને તેની શોધખોળ શરૂ કરાઈ હતી. તો વોન્ટેડ આરોપીઓની શોધ કરી રહેલી સુરત શહેર ક્રાઇમ બ્રાંચની ટીમે દોષિતના વતન અને સંભવિત છુપાવાના સ્થળોની તપાસ ચાલુ રાખી હતી. બાતમીદારો દ્વારા મળેલી ચોક્કસ માહિતીના આધારે ટીમે મધ્યપ્રદેશના મુરેનાના જૌરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ખીડોરા ગામે રેડ કરી ભાગી છૂટેલા દોષિત રામુસિંગ ઉર્ફે માલિયા રાકેશસિંહ સિકરવાર રાજપૂતને પકડી પાડ્યો હતો. અને તેને સુરત લાવી તેનો કબ્જો લાજપોર જેલને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.