ઉત્રાણ પોલીસનો દરોડો, ભેળસેળયુક્ત ઘી બનાવવાના કથિત કૌભાંડનો પર્દાફાશ

Featured Video Play Icon
Spread the love

ઉત્રાણ પોલીસનો દરોડો, ભેળસેળયુક્ત ઘી બનાવવાના કથિત કૌભાંડનો પર્દાફાશ
ફૂડ સેફ્ટી અધિકારીઓની હાજરીમાં કાર્યવાહી
1,694 કિલો ઘી સહિત રૂ. 18.21 લાખથી વધુનો મુદ્દામાલ સીઝ

નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવાના કથિત કૌભાંડનો ઉત્રાણ પોલીસે પર્દાફાશ કરી અબ્રામા ગામે દરોડા પાડી ભેળસેળયુક્ત ઘી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી. પોલીસે ફૂડ સેફ્ટી અધિકારીઓની હાજરીમાં 1,694 કિલો ઘી સહિત 18 લાખ 21 હજાર રૂપિયાથી વધુનો મુદ્દામાલ સીઝ કરી ત્રણ લોકોની અટકાયત કરી હતી.

સુરતના અબ્રામા-ઉમરા રોડ પર આવેલા માધવ કેમ્પસના ગોડાઉન નંબર 18માં ભેળસેળયુક્ત ઘી બનાવવામાં આવતું હોવાની બાતમી ઉત્રાણ પોલીસને મળી હતી. જે બાતમીના આધારે પીઆઈ એચઆર ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ પોલીસની અલગ-અલગ ટીમોએ ફૂડ સેફ્ટી અધિકારીઓને સાથે રાખી દરોડા પાડ્યા હતાં. દરોડા દરમિયાન સન્ની કલ્પેશભાઈ મોદી, કિશન મનોજભાઈ મોદી અને કલ્પેશ સુંદરલાલ મોદીને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતાં. પોલીસની કાર્યવાહી દરમિયાન ડાલડા વનસ્પતિના 35 ડબ્બા, રિફાઈન્ડ સોયાબીન તેલના 32 ડબ્બા, 795 કિલો લૂઝ ઘી અને 900 કિલો સાહસ પ્રીમિયમ કાઉ ગીનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત 35 મિલીલીટરના ઘીના 300 પાઉચ તેમજ ઘી બનાવવામાં વપરાતાં મશીનો અને અન્ય સાધનો પણ મળી આવ્યાં હતાં. ફૂડ સેફ્ટી અધિકારીઓ દ્વારા કુલ 18 લાખ 21 હજાર 163 રૂપિયાનો મુદ્દામાલ સીઝ કર્યો હતો. હાલ ઉત્રાણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *