સુરત વરાછા પોલીસને મળી મોટી સફળતા
18 વર્ષ પહેલા થયેલા હત્યા કેસમાં ફરાર આરોપી
ઝારખંડના જંગલમાંથી ફિલ્મી સ્ટાઇલમાં ઝડપી પાડ્યો
સુરતના વરાછા પોલીસને મોટી સફળતા હાથ લાગી હોય તેમ 18 વર્ષ પહેલા થયેલા હત્યા કેસમાં ફરાર આરોપીને ઝારખંડના જંગલમાંથી ફિલ્મી સ્ટાઇલમાં ઝડપી પાડ્યો છે.
વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2008માં માત્ર 50 રૂપિયાની ઉઘરાણી મામલે બબલુ નામના વ્યક્તિની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં મુખ્ય આરોપી રાજેશ ઉર્ફે રાકેશ રોશન જયરામ રાય ઘટના બાદથી જ ફરાર હતો અને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. લાંબા સમયથી પોલીસને ચકમો આપતો આરોપી અંતે ઝારખંડ રાજ્યના દુમકા જિલ્લાના જંગલ વિસ્તારમાં છુપાયો હોવાની બાતમી મળી હતી. ત્યારબાદ વરાછા પોલીસે ખાસ ટીમ બનાવી આરોપીને પકડવા ઓપરેશન શરૂ કર્યું હતું. પોલીસની ટીમે સતત 7 દિવસ સુધી જંગલ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ વોચ રાખી હતી. અને આરોપી આદિવાસીનો વેશ ધારણ કરીને પોલીસથી બચવાનો પ્રયાસ કરતો હતો, છતાં પોલીસની સતર્કતા સામે તેની ચાલ નિષ્ફળ ગઈ હતી. અને પોલીસે આરોપી રાજેશ ઉર્ફે રાકેશ રોશન રાયને ઝડપી પાડી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
