સોનગઢના માંડળ ટોલનાકા પાસે એલસીબી અને પેરોલ-ફર્લો સ્ક્વોડની સફળ રેડ
12 વ્હીલર ટ્રકમાંથી વિદેશી દારૂ અને બિયરની 10,908 બોટલો-ટીન જપ્ત
મકાઈના કોથળાની આડમાં સંતાડીને લઈ જવાતો હતો દારૂનો જથ્થો
દારૂનો જથ્થો, ટ્રક, મકાઈ અને મોબાઈલ સહિત ₹43 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
તાપી જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરીનો મોટો પર્દાફાશ થયો છે. સોનગઢના માંડળ ટોલનાકા નજીક LCB અને પેરોલ-ફર્લો સ્ક્વોડે મકાઈના કોથળાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 10 હજાર 908 બોટલ અને બિયરના ટીન સહિત કુલ 43 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂનો સપ્લાયર અને ટ્રક માલિકને વોન્ટેડ જાહેર કરાયા છે.
તાપી LCB અને પેરોલ-ફર્લો સ્ક્વોડે સોનગઢના માંડળ ટોલનાકા નજીક સફળ કાર્યવાહી કરી છે. LCB PI બી.જી. રાવલના માર્ગદર્શન હેઠળ PSI કે.આર. પટેલ અને તેમની ટીમ વાહન ચેકિંગમાં હતી. દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ટોલનાકા પાસે વોચ ગોઠવી GJ-25-T-8092 નંબરની 12 વ્હીલર ટ્રકને અટકાવી હતી. ટ્રકની તલાશી લેતા મકાઈના કોથળાની પાછળ સંતાડેલો વિદેશી દારૂ અને બિયરની કુલ 10,908 બોટલ તથા ટીન મળી આવ્યા હતા. જેની કિંમત 34 લાખ 58 હજાર 832 રૂપિયા થાય છે. પોલીસે ટ્રકમાંથી દારૂ ઉપરાંત 8 લાખની ટ્રક, 36 હજાર 750 રૂપિયાનો 5,250 કિલો મકાઈનો જથ્થો અને મોબાઈલ ફોન મળી કુલ 43 લાખ 582 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે જૂનાગઢ જિલ્લાના માણાવદરના રહેવાસી 42 વર્ષીય ટ્રક ચાલક મંથનભાઈ નરશીભાઈ ફળદુની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે દારૂનો જથ્થો મોકલનાર મૂળ સપ્લાયર અને ટ્રક માલિકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ સોનગઢ પોલીસને સોંપવામાં આવી છે
