ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચના નામે અપહરણ અને ખંડણી

Featured Video Play Icon
Spread the love

ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચના નામે અપહરણ અને ખંડણી
સુરતમાં ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચના અધિકારી બની છ શખ્સોએ કર્યું અપહરણ
વેબ ડેવલપર અને તેના ભાગીદારો પાસે 50 લાખની ખંડણીની માંગ
સરકારી લખાણવાળી ઈનોવા કારમાં યુવકોનું અપહરણ
ચાર લાખ રૂપિયા પડાવી યુવકોને છોડી મૂક્યા
સરથાણા પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા

સુરતમાં ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચના અધિકારી હોવાની ઓળખ આપી છ શખ્સોએ વેબ-ડેવલપર અને તેના ભાગીદારોનું અપહરણ કર્યું હતું. સરકારી લખાણવાળી ઈનોવા કારમાં યુવકોને બેસાડી 50 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. અંતે ચાર લાખ રૂપિયા પડાવી યુવકોને છોડી મૂક્યા હતા. સમગ્ર મામલે સરથાણા પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતાં.

સુરતમાં ખાખીનો રોફ જમાવી ખંડણી વસૂલતી ગેંગનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. સુરતના સરથાણાના મહાવીર ચોક ખાતે આવેલી ધ ગેલેરીયા 2 બિલ્ડિંગમાં વેબ ડેવલપમેન્ટની ઓફિસમાં અચાનક ત્રણ શખ્સો ઘૂસી આવ્યા હતા. ઓફિસમાં હાજર યુવકોના મોબાઈલ ઝૂંટવી અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો અને પોતે પોલીસ હોવાનું જણાવી જીએસટી સહિતના દસ્તાવેજો માંગ્યા હતાં. ઓફિસ પાસે જીએસટી નંબર ન હોવાનું જાણવા મળતાં આરોપીઓએ યુવકોને ગાંધીનગર લઈ જવાની અને આજીવન જેલમાં ધકેલી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ એક લેપટોપ કબજે કરી મિહિત દેસાઈ અને તેના ભાગીદાર પ્રણવને સફેદ ઈનોવા કારમાં બળજબરીપૂર્વક બેસાડી દીધા હતા. ચોંકાવનારી વાત એ છે કે ઈનોવા કારના ડેશબોર્ડ પર લાલ રંગનું ગવર્નમેન્ટ ઓફ ગુજરાત લખેલું બોર્ડ લગાવેલું હતું. આરોપીઓ યુવકોને શ્યામધામ મંદિર નજીક લઈ ગયા હતા અને 50 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. મોટી રકમ ચૂકવવાની અસમર્થતા દર્શાવતાં આરોપીઓએ 10 લાખની માંગણી કરી હતી અને અંતે 8 લાખમાં સોદો નક્કી કર્યો હતો. ત્યારબાદ અન્ય ભાગીદાર મિલનને પણ કારમાં બેસાડી ત્રણેય યુવકોને ફેરવવામાં આવ્યા હતા. મિલને પોતાના મોટા ભાઈ અમિતનો સંપર્ક કરી નાણાંની વ્યવસ્થા કરાવી હતી. અને આરોપીઓએ કામરેજ બોલાવી અમિત પાસેથી ચાર લાખ રૂપિયા રોકડા પડાવી લીધા હતા અને ત્યારબાદ ત્રણેય યુવકોને રાજ હોટલ પાસે ઉતારી ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે ભોગ બનનાર મિહિત દેસાઈની ફરિયાદના આધારે સરથાણા પોલીસે ખંડણી, અપહરણ અને અન્ય ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. અને ટેકનિકલ સર્વેલન્સ તથા સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતાં. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ ફરાર આરોપીઓને પકડવા પોલીસની અલગ-અલગ ટીમો તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *