ગાંધીનગરમાં ભારતીય કિસાન સંઘની પ્રેસ કોન્ફરન્સ
પ્રેમ લગ્નમાં માતા-પિતાની મંજૂરીની જરૂરિયાતની માગ
ભારતીય કિસાન સંઘનું પાટીદાર અને અન્ય સવર્ણ સમાજની માગને સમર્થન
ગુજરાતમાં પ્રેમ લગ્નના કાયદાને લઈને કિસાન સંઘના આકરા તેવર જોવા મળ્યા છે, દિકરીઓને જાતે લગ્ન કરવાનો હક છે પરંતુ માતા પિતાની પણ મંજૂરી જરૂરી હોઈ લગ્ન રજિસ્ટ્રેશન એક્ટમાં સુધારાને લઈને ગુજરાત કિસાન સંઘ દ્વારા માગ કરવામાં આવી છે
ગુજરાતમાં પ્રેમ લગ્નના કાયદાને લઈને કિસાન સંઘના આકરા તેવર જોવા મળ્યા. ભારતીય કિસાન સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગમલભાઈ આર્યએ કહ્યું કે આપણા વેદોમાં 16 સંસ્કારનું મહત્વ છે. પરંતુ અત્યારે લગ્નને લઈને યુવાનોમાં ગંભીરતા જોવા મળતી નથી. પ્રેમના મોહમાં આવીને લગ્ન કરે છે અને મોહ ભંગ થતા લગ્ન તૂટે છે. અને એટલે જ લગ્ન રજિસ્ટ્રેશન એક્ટમાં સુધારાને લઈને ગુજરાત કિસાન સંઘ દ્વારા માગ કરવામાં આવી છે. આ મામલે અમે સરકારને પણ રજૂઆત કરી છે. જો સરકાર આ બાબતે નહીં વિચારે તો ગુજરાત કિસાન સંઘ રોડ પર આવી શકે તેવી પ્રદેશ અધ્યક્ષે ગર્ભિત ચીમકી ઉચ્ચારી છે. કિસાન સંઘના પ્રમુખે કહ્યું કે આપણે બધા સનાતન ધર્મ અને સનાતનની રીતમાં માનનારા લોકો છીએ. કિસાન સંઘ ગામડા સાથે જોડાયેલો છે. કિસાન સંઘ હંમેશા ખેડૂતોની સમસ્યાને વાચા આપે છે. આ ખેડૂતો ગામડાઓમાં વસે છે. ગામડાઓ જ આપણી સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે. આજે દિકરીઓ અન્યોની વાતમાં આવી દોરવાઈ જાય છે. અને દિકરીઓ સાથે લગ્નના નામે છેતરપિંડી થાય છે. પ્રેમલગ્ન બાદ અનેક બહેન-દીકરીઓનું જીવન દુશ્કર બને છે. દીકરી જુવાન થાય એને જીવનસાથી પસંદ કરવાની છૂટ છે. પણ લગ્ન બાબતે માતા પિતાને સાથે રાખવા જોઈએ. કિસાન સંઘ સહિત ઉમિયા ધામ અને રાજપૂત સમાજ સહિતની અનેક સંસ્થાઓ અત્યારે આ વિષયને લઈ આંદોલન કરે છે. અમે મુખ્યમંત્રીને આ અંગે આવેદનપત્ર પણ આપ્યું છે. ગામડાઓની અને લોક લાગણીને વાચા આપવા અને આ મુદ્દે આગળ આવ્યા છીએ. લગ્ન રજીસ્ટ્રેશન એક્ટમા સુધારો થાય એવી અમારી માંગણી છે. કિસાન સંઘના પ્રમુખે લવ જેહાદ, લગ્ન રજિસ્ટ્રેશન એક્ટ ઉપરાંત ખેડૂતોની સમસ્યાને લઈને પણ વાત કરી હતી તેમજ કપાસમાં આયાત ડયુટી સરકારે ઘટાડી છે. કપાસની 11 ટકા ડયૂટી ઘટાડતા તેના ભાવ વધુ નીચે આવતા ખેડૂતને નુકસાન થઈ શકે છે. ગુજરાત કપાસના વાવેતરમાં દેશમાં બીજા સ્થાન પર છે. એટલે આગામી સમયમાં ગુજરાતમાં કપાસના ઉત્પાદન વધે તેવો સરકારે પ્રયાસ કરવો જોઈએ….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
