સુરતમાં ગોપાલ ઈટાલિયાનું ધમાકેદાર સ્વાગત
પાટીલને મોરેમોરાની ઈટાલિયાની ખુલ્લી ચેલેન્જ
ખાડીપૂર મુદ્દે એસએમસીને આડેહાથ લીધી
આપ ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાનું સુરતમાં ધમાકેદાર સ્વાગત કરાયુ હતું. તો ઈટાલિયાએ સી.આર. પાટીલને ખુલ્લી ચેલેન્જ કરી કહ્યુ હતુ કે હવે એક પણ ધારાસભ્ય તોડીને ચૂંટણી કરી બતાવો. ગોપાલ ઇટાલીયા તૂટશે નહીં પરંતુ ગોપાલ ઈટાલીયા આખા ભાજપનો ઘમંડ તોડશે તેમ કહ્યુ હતું.
વિસાવદરમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા સુરત પહોંચ્યા હતા. ત્યાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાને આવકારવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના સુરત મહાનગર પાલિકાના કોર્પોરેટરો, પ્રદેશના હોદ્દેદારો, સ્થાનિક પદાધિકારીઓ સહિત કાર્યકર્તાઓ તથા સ્થાનિક લોકો એકઠા થયા હતા. આ તમામ લોકોએ ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાનું ખૂબ જ ઉત્સાહભેર સ્વાગત કર્યું અને એક વિજય રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું. ત્યારબાદ ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાના સન્માનમાં અને વિસાવદરના લોકોનો આભાર વ્યક્ત કરવા માટે એક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાની સાથે સાથે પ્રદેશ સંગઠન મહામંત્રીઓ, શહેર પ્રમુખ, પૂર્વ વિપક્ષ નેતા, સુરત લોકસભા ઇન્ચાર્જ, કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા, સુરત મનપાના કોર્પોરેટરોમાં વિપક્ષ નેતા પાયલ સાકરિયા સહીત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં
તો આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્ય મતવિસ્તારના લોકોએ મારા જેવા સામાન્ય ઘરના વ્યક્તિનું માન વધારવાનું કામ કર્યું છે. મારા જેવા નાના વ્યક્તિ અને એક નાની પાર્ટીને વિસાવદરના મતદાતાઓએ આશીર્વાદ આપીને ફક્ત ગુજરાતમાં નહીં પરંતુ આખા દેશમાં ચમકવાનો એક મોકો આપ્યો છે. ગોપાલ ઇટાલીયાએ આગળ કહ્યું કે, ગોપાલ ઇટાલીયા તૂટશે નહીં પરંતુ ગોપાલ ઇટાલીયા આખા ભાજપનો ઘમંડ તોડશે તે વાતની ખુશી ગુજરાતના તમામ લોકોને છે. તો વધુમાં કહ્યુ હતું કે સી.આર. પાટીલ હંમેશા ઉપાડો લઈને નીકળ્યા હોય છે કે કયા ધારાસભ્યને તોડું, પરંતુ હવે મારી સી આર પાટીલને ખુલ્લી ચેલેન્જ છે કે હવે ગુજરાતમાં એક પણ ધારાસભ્ય તોડીને બતાવો અને પછી ત્યાં ચૂંટણી કરાવો પછી જુઓ શું પરિણામ આવે છે. આ લોકોએ ગુંડાગર્દીની તમામ હદો વટાવી દીધી હતી અને રાજનીતિને તળિયે બેસાડી દીધી.
ગાંધી અને સરદારે ગુજરાતનું નામ આખા દુનિયામાં રોશન કર્યું અને એ જ ગાંધી અને સરદારના ગુજરાતમાં આજે બુટલેગરોના હાથમાં સત્તા આવી ગઈ છે, એ વાતનું મને ખૂબ જ દુઃખ છે. ગાંધીનું ગુજરાત બુટલેગરોના હાથમાં ન હોવું જોઈએ. પરંતુ કોઈ લડે કે ના લડે અને કોઈ બોલે કે ના બોલે પરંતુ ગોપાલ ઇટાલીયા અને આમ આદમી પાર્ટી લડશે-બોલશે અને બુટલેગરોને હટાવીને જનતાનું શાસન ગુજરાતમાં સ્થાપિત કરશે. હું પુરા આત્મવિશ્વાસ સાથે આ વાત કરી રહ્યો છું કારણ કે વિસાવદરની ચૂંટણીમાં એક બાજુ સત્તાનું બળ, ભાજપની આખી સરકાર, ભાજપના મંત્રીઓ, ભાજપના ધારાસભ્યો, ભાજપના ચેરમેનો, ભાજપના બુટલેગરો, ભાજપના જમીન માફિયાઓ, ભાજપના ગુંડાઓ, ભાજપના બળાત્કારીઓ બધા ભેગા થઈને એક તરફ હતા અને બીજી બાજુ આમ જનતાનું મનોબળ હતું અને આ બંનેમાં ભીષણ યુદ્ધ થયું અને જનતાના મનોબળની જીત થઈ એ વાતની ખુશી આજે આખા ગુજરાતમાં છે.
હાલ સુરતમાં ખાડી પુર આવ્યું છે. વિચાર કરો કે આજે ચંદ્ર ઉપર અને મંગળ પર જવાનો રસ્તો છે પરંતુ સુરતમાં પૂરના પાણી કાઢવાનો કોઈ રસ્તો નથી. આજના શાસકો લાયકાત વગરના શાસકો છે, અને આ લોકોને કોણે બેસાડ્યા છે તે સવાલ આપણે કરવો જોઈએ. આપણી આત્માને હવે જગાડવાની જરૂર છે. આ પહેલા વડોદરામાં પૂર આવ્યું હતું, જૂનાગઢમાં પૂર આવ્યું હતું, અંકલેશ્વરમાં પૂર આવ્યું હતું. આ બધા પૂર ભાજપસર્જિત પુર છે. કારણકે આપણે વોટ આપીને જે લોકોને સત્તામાં બેસાડ્યા તે લોકોને ભ્રષ્ટાચાર કરવા સિવાય બીજી કોઈ વાતમાં રસ નથી. તો હવે આ પરિસ્થિતિ બદલવા માટે જનતાએ મક્કમ મનોબળ રાખીને ભાજપને જાકારો આપવાનો છે. કારણ કે હવે કોઈ પણ પ્રકારની લાચારીમાં જીવન જીવવા કરતા આપણે જાતે ઊભા થઈને આ લાચારીમાંથી બહાર આવવું પડશે.