સુરતમાં સરકારી અનાજની દુકાનમાં 7.24 લાખની છેતરપિંડી
ઉધનામાં સરકારી અનાજની દુકાન પર પુરવઠા વિભાગના દરોડા
સંચાલક અને તોલાદ સામે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
સુરતના ઉધના વિસ્તારમાં સરકારી અનાજની દુકાનમાં ગેરવહીવટ થતો હોવાની ફરિયાદો ઉઠ્યા બાદ પુરવઠા વિભાગે દુકાનના સંચાલક અને તોલાદ સામે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
સુરતના ઉધના વિસ્તારમાં આવેલી યુ-51 નંબરની સરકારી અનાજની દુકાનમાં પુરવઠા વિભાગના નિયમોની ધજાગરા ઉડાવી, તોલાદ અને હેલ્પર દ્વારા મોટા પાયે છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પુરવઠા વિભાગે દુકાન પર દરોડા પાડીને 7.24 લાખની ગેરરીતિ પકડી પાડી હતી. આ મામલે પુરવઠા વિભાગે દુકાનના સંચાલક અલ્પેશ મનહર સોની અને તોલાદ સુનિલ શ્યામલાલ સુયલ વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે, સંચાલક અલ્પેશ સોની છેલ્લા બે મહિનાથી કેનેડામાં હોવા છતાં, તોલાદ સુનિલે તેની નકલી ફિંગર પ્રિન્ટનો ઉપયોગ કરીને સરકારી સોફ્ટવેરમાં લોગીન કરતો હતો અને ગ્રાહકોને અનાજ આપવાને બદલે મોટા પ્રમાણમાં અનાજનો જથ્થો સગેવગે કરી દીધો હતો. સરકારી અનાજની દુકાનમાં 7.24 લાખની છેતરપિંડી ઉધના ગાયત્રી સોસાયટી સ્થિત અમર રત્ન એપાર્ટમેન્ટમાં રહેતા અલ્પેશ સોનીએ પુરવઠા વિભાગમાંથી સરકારી અનાજની દુકાનનો પરવાનો મેળવી યુ-51 નંબરની દુકાન ચલાવતા હતા.