રાજકોટમાં પાકિસ્તાનીઓની મિલકતોની હરાજી કરાશે
એનીમી પ્રોપર્ટી હેઠળ 139 જમીન-મકાનનો સર્વે ચાલુ
66 મિલકતો જાહેર, બાકીની 73ની તપાસ ચાલી રહી
કેન્દ્ર સરકારના એનીમી પ્રોપર્ટી એક્ટ હેઠળ રાજકોટ શહેર અને જિલ્લામાં આવેલી પાકિસ્તાની નાગરિકોની મિલકતોને જપ્ત કરીને તેની હરાજી કરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ કાયદા હેઠળ, રાજકોટ શહેર અને જિલ્લામાં આવેલી કુલ 139 મિલકતોનો વિસ્તૃત સર્વે હાથ ધરવામાં આવ્યો છે.
જે લોકો 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ બાદ ભારત છોડીને પાકિસ્તાન જતા રહ્યા હતા અને ત્યાંના નાગરિક બની ગયા હતા, તેમની ભારતમાં રહેલી મિલકતોને ‘એનીમી પ્રોપર્ટી’ તરીકે જાહેર કરવામાં આવે છે. રાજકોટની આ મિલકતોનો સર્વે કરવા માટે મુંબઈ અને રાજકોટની એક ખાસ ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. સર્વેની વિગતો નીચે મુજબ છે. કુલ સર્વે કરાયેલી મિલકતો 139, જાહેર કરાયેલી મિલકતો 66, સર્વે હેઠળની મિલકતો 73 નો સર્વે હજી ચાલુ છે
સર્વે ટીમે તમામ મિલકતોની કાયદેસરની સ્થિતિ અને મૂલ્યાંકનનો રિપોર્ટ તૈયાર કર્યો છે. આ સમગ્ર રિપોર્ટ 23 ડિસેમ્બર સુધીમાં કેન્દ્ર સરકારમાં રજૂ કરવામાં આવશે. સરકાર તરફથી લીલી ઝંડી મળ્યા બાદ, આ તમામ મિલકતોની જાહેર હરાજી કરવામાં આવશે. આ કાર્યવાહીનો હેતુ 1965 પછી પાકિસ્તાન ગયેલા અને ત્યાંની નાગરિકતા અપનાવનાર વ્યક્તિઓની ભારતમાં રહેલી સ્થાવર મિલકતોને સરકાર હસ્તક લેવાનો છે. આ હરાજી દ્વારા સરકારને મોટી આવક થવાની સંભાવના છે અને લાંબા સમયથી વિવાદિત રહેલી આ મિલકતોનો કાયદેસર નિકાલ થશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
