ભાવનગર જિલ્લા હોમગાર્ડઝ હેડ ક્વાટર્સ ખાતે ધ્વજ વંદન
૮૦ મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી
ડો. ગણેશ બારૈયાના હસ્તે ધ્વજવંદન કરાયું
ભાવનગરમાં વડાપ્રધાનની યુવા શક્તિ થીમને સાર્થક કરતા વિશ્વના સૌથી નાના કદના ડોક્ટરના હસ્તે તિરંગો લહેરાવાયો અને રમત-ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર હોમગાર્ડઝ જવાનોનું મેડલ અને પ્રમાણપત્ર આપી બહુમાન કરાયું તેમજ અંગદાન અંગેના શપથ લેવાયા.
ભારત દેશના ૮૦ મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ભાવનગર જિલ્લા હોમગાર્ડઝ હેડ ક્વાટર્સ ખાતે દેશભક્તિના અભૂતપૂર્વ માહોલમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના વિકાસ વિજ્ઞાન અને ઇનોવેશન માટે આ વર્ષે આપવામાં આવેલી મુખ્ય થીમ યુવા શક્તિ ને સાર્થક કરવાના ભાગરૂપે, ભાવનગરની સર ટી. હોસ્પિટલના જાણીતા M.B.B.S. ડોક્ટર ગણેશભાઈ બારૈયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય પર્વની આ ગરિમાપૂર્ણ ઉજવણી અંતર્ગત રમત-ગમત ક્ષેત્રે રાજ્યકક્ષાએ વિજેતા થઈ ભાવનગરનું નામ રોશન કરનાર તેમજ ઉત્તમ પ્રદર્શન કરનાર હોમગાર્ડઝના રમતવીરોને મુખ્ય અતિથિ ડો, ગણેશ બારૈયાના શુભ હસ્તે મેડલ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ હોમગાર્ડઝ જવાનો દ્વારા અંગદાન અંગેના સામુહિક શપથ લેવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત જવાનોને પ્રેરણાદાયી સંબોધન આપતા ડો. ગણેશ બારૈયાએ દેશની આઝાદી માટે સર્વસ્વ ન્યોછાવર કરનારા વીર શહીદો અને યોદ્ધાઓને યાદ કર્યા હતા. તેમણે પોતાના સંઘર્ષમય જીવનના યાદગાર પ્રસંગો વર્ણવી આજની યુવા પેઢી અને હોમગાર્ડઝ જવાનોને કોઈપણ પરિસ્થિતિમાં હિંમત ન હારવાની પ્રેરણા આપી હતી. આ સાથે જ તેમણે વર્તમાન સમયમાં કાયદો-વ્યવસ્થા અને જનસેવામાં હોમગાર્ડઝ દળની કામગીરીને મુક્તકંઠે બિરદાવી હતી…
