સુરત સિવિલના રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાના આપઘાત મામલો
રેગિંગના આક્ષેપ બાદ ચાર રેસિડેન્ટ ડોક્ટરોને છ માસ માટે સસ્પેન્ડ
હવે દુષ્પ્રેરણાના ગુનામાં તપાસ આગળ ધપાવવામાં આવી
સુરત સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાના આપઘાત મામલે રેગિંગના આક્ષેપ બાદ ચાર રેસિડેન્ટ ડોક્ટરોને છ માસ માટે સસ્પેન્ડ કરાયાં છે, જ્યારે હવે દુષ્પ્રેરણાના ગુનામાં તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
સુરત નવી સિવિલ હોસ્પિટલ મેડિકલ કોલેજમાં 9 ઓગસ્ટના રોજ ડૉ. હર્ષ પંડ્યાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મૃતકના પિતાએ રેગિંગ મુદ્દે અરજી આપતાં તાત્કાલિક તપાસના આદેશ કરવામાં આવ્યા હતા અને 24 કલાકમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. રિપોર્ટના આધારે ડૉ. નિરાલી વસાવે, ડૉ. અનુજ મહેશ્વરી, ડૉ. દીક્ષિતા ઘેવરિયા અને ડૉ. હિના ભૂતને છ માસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો આ અંગે એસીપી ઝેડઆર દેસાઈએ જણાવ્યુ હતું કે ગઈકાલે મૃતકના પિતાની ફરિયાદના આધારે દુષ્પ્રેરણા એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ મામલે એચઓડી અને ડીન વિરૂદ્ધ પણ તપાસ હાથ ધરવામાં આવશે. એફએસએલ રિપોર્ટમાં ડૉ. હર્ષ પંડ્યાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલ બે ડૉક્ટરના નિવેદન લેવામાં આવ્યા છે, જ્યારે અન્ય બે ડૉક્ટરના નિવેદન બાકી હોવાથી તેમને ફરી નોટિસ આપવામાં આવશે. રિપોર્ટ અને નિવેદનોના આધારે આગળની તપાસ કરવામાં આવશે અને તપાસ પૂર્ણ થયા બાદ આરોપીઓ સામે ધરપકડ સહિતની કાર્યવાહી કરવામાં આવશે.
