ખેડૂતો અને પશુપાલકોને યોગ્ય સહાય મળે તેવી આપની માંગ
2 નવેમ્બરે ગુજરાતના તમામ જિલ્લાઓમાં કલેક્ટરને અપાશે આવેદનપત્ર
પ્રતિ હેક્ટર ₹8,500ની સહાયને આપએ ગણાવી અપૂરતી
પશુપાલકોને પૂરતો ઘાસચારો પૂરો પાડવાની પણ માંગ
ગુજરાતના ખેડૂતો અને પશુપાલકોને સંતોષકારક સહાય પેકેજ અને પૂરતો ઘાસચારો પૂરો પાડવાની માંગ સાથે આમ આદમી પાર્ટીએ રાજ્યવ્યાપી રજૂઆત કરવાની જાહેરાત કરી છે. આગામી 2 નવેમ્બરના રોજ ગુજરાતના તમામ જિલ્લાઓમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. ભાવનગરમાં AAPના હોદ્દેદારોએ સરકાર દ્વારા જાહેર કરાયેલી સહાયને અપૂરતી ગણાવી ખેડૂતો અને પશુપાલકોના પ્રશ્નો ઉકેલવાની માંગ કરી છે.
ગુજરાતના ખેડૂતો અને પશુપાલકોને યોગ્ય સહાય મળે અને પશુઓ માટે પૂરતો ઘાસચારો ઉપલબ્ધ થાય તે મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યવ્યાપી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 2 નવેમ્બરે રાજ્યના તમામ જિલ્લાઓમાં કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશે. AAPના આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે ભાજપ સરકારે પ્રતિ હેક્ટર માત્ર 8,500 રૂપિયાની સહાય જાહેર કરીને ખેડૂતોને અન્યાય કર્યો છે. સાથે જ પશુપાલકોને પૂરતા પ્રમાણમાં ઘાસચારો પણ મળતો ન હોવાનો મુદ્દો ઉઠાવ્યો છે. ખેડૂતોને સંતોષકારક સહાય પેકેજ અને પશુપાલકોને પૂરતો ઘાસચારો મળે તે માટે સંઘર્ષ ચાલુ રાખવાની વાત AAPના આગેવાનોએ કરી છે. આ પ્રસંગે ભાવનગર લોકસભા પ્રમુખ ખુમાનસિંહ ગોહિલ, શહેર પ્રમુખ કમલેશભાઈ સોલંકી, કિસાન પ્રદેશ સંગઠન મંત્રી રાજદીપસિંહ ગોહિલ, વિધાનસભા કિસાન પ્રમુખ પ્રવીણસિંહ સરવિયા અને સોશિયલ મીડિયા પ્રમુખ ધવલ અણજારા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
