સુરતની મિલેનિયમ માર્કેટ-2માં પેમેન્ટની ઉઘરાણીએ સર્જ્યો વિવાદ
ત્રણ લાખના બાકી પેમેન્ટ મુદ્દે વિવર અને વેપારી વચ્ચે બોલાચાલી
વેપારીએ કાઠિયાવાડી સમાજ અંગે અપશબ્દો બોલ્યાનો આક્ષેપ
વિવર સાથે બોલાચાલી બાદ મિલેનિયમ માર્કેટ-2માં હોબાળો
મોટી સંખ્યામાં વિવર્સ માર્કેટ ખાતે એકઠા થયા
વિવર હિરેન ઠુમ્મરે સલાબતપુરા પોલીસમાં કરી અરજી
સુરતના રિંગરોડ સ્થિત મિલેનિયમ માર્કેટ-2માં પેમેન્ટની ઉઘરાણીને લઈને વિવર અને વેપારી વચ્ચે વિવાદ સર્જાયો છે. વેપારીએ વિવર સાથે બોલાચાલી દરમિયાન અપશબ્દો બોલવાની સાથે કાઠિયાવાડી સમાજ અંગે પણ એલફેલ બોલ્યાનો આક્ષેપ છે. જેને પગલે મોટી સંખ્યામાં વિવર્સ માર્કેટ ખાતે એકઠા થઈ હોબાળો મચાવ્યો હતો. સમગ્ર મામલે સલાબતપુરા પોલીસમાં અરજી કરવામાં આવી છે.
સુરતના રિંગરોડ સ્થિત મિલેનિયમ માર્કેટ-2માં પેમેન્ટની ઉઘરાણીને લઈને વિવર અને વેપારી વચ્ચે વિવાદ સામે આવ્યો છે. સચિન વિસ્તારમાં કારખાનું ધરાવતા 32 વર્ષીય વિવર હિરેન નાગજી ઠુમ્મરનું વેપારી રાકેશ મોતીલાલ જૈન અને દિલીપ મોતીલાલ જૈન પાસેથી અંદાજે ત્રણ લાખ રૂપિયાનું પેમેન્ટ બાકી હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી હિરેન ઠુમ્મર બાકી પેમેન્ટની ઉઘરાણી કરી રહ્યા હતા. દરમિયાન આજે ઉઘરાણીના મુદ્દે વેપારી અને વિવર વચ્ચે બોલાચાલી થઈ હતી. આક્ષેપ છે કે બોલાચાલી દરમિયાન વેપારીએ વિવર સાથે અપશબ્દો ઉચ્ચાર્યા હતા. એટલું જ નહીં, કાઠિયાવાડી સમાજ અંગે પણ એલફેલ બોલ્યા હતા. આ ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં વિવર્સ મિલેનિયમ માર્કેટ-2 ખાતે એકઠા થયા હતા અને હોબાળો મચાવ્યો હતો. સમગ્ર મામલે હિરેન ઠુમ્મરે સલાબતપુરા પોલીસમાં અરજી કરી છે. પોલીસે અરજીના આધારે તપાસ હાથ ધરી છે અને અટકાયતી પગલાં ભરવાની તજવીજ શરૂ કરી છે.
