દિવાળીના તહેવારોમાં સુરક્ષા માટે સુરત એસઓજી સક્રિય
સોસાયટી, રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ અને કોમર્શિયલ બિલ્ડિંગો માટે માર્ગદર્શિકા તૈયાર
ચોરી, આગ અને અકસ્માત જેવી ઘટનાઓ અટકાવવા સિક્યુરિટી સ્ટાફને સૂચનાઓ
તહેવારો દરમિયાન સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવાએસઓજીની પહેલ
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તહેવારોના આ માહોલમાં સુરક્ષાને લઈને પણ ખાસ સાવચેતી રાખવા સોસાયટી, રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ અને કોમર્શિયલ બિલ્ડિંગોમાં ચોરી, આગ અને અકસ્માત જેવી અનિચ્છનીય ઘટનાઓને રોકવા માટે સિક્યુરિટી સ્ટાફ માટે સુરત એસઓજી દ્વારા ખાસ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે.
દિવાળીના તહેવાર દરમિયાન સુરક્ષા વ્યવસ્થામાં કોઈ કચાશ ન રહે તે માટે ખાસ સાવચેતી રાખવાની જરૂરિયાત પર સુરત એસઓજી દ્વારા ભાર મૂકવામાં આવ્યો છે. તહેવારો દરમિયાન સોસાયટી અને કોમર્શિયલ બિલ્ડિંગોમાં લોકોની અવરજવર વધતી હોય છે. ત્યારે અજાણ્યા વ્યક્તિઓની હિલચાલ પર નજર રાખવી અને દરેક મુલાકાતીની એન્ટ્રી રજિસ્ટરમાં નોંધવી જરૂરી છે. વાહનચાલકોની પણ યોગ્ય તપાસ કરવા સૂચના આપવામાં આવી છે. કોઈપણ બહારના વાહનને પરવાનગી વગર અંદર પ્રવેશવા દેવું નહીં અને વાહનચાલકની ઓળખની ખાતરી કર્યા બાદ જ એન્ટ્રી આપવી. વાહન પાર્કિંગ વ્યવસ્થામાં પણ ખાસ તકેદારી રાખવાની રહેશે. નો-પાર્કિંગ ઝોન, ફાયર લાઇન અને ઇમરજન્સી એક્ઝિટની આસપાસ વાહનો પાર્ક ન થાય તેની જવાબદારી સિક્યુરિટી સ્ટાફની રહેશે. દિવાળીમાં ફટાકડા ફોડવાના કારણે આગ લાગવાની સંભાવના વધુ રહેતી હોવાથી તમામ ફાયર એક્સ્ટિંગ્વિશર અને હોઝ રીલ કાર્યરત છે કે નહીં તેની તપાસ કરવી જરૂરી છે. સાથે જ ફટાકડા ફોડવા માટે નક્કી કરેલી જગ્યાએ જ મંજૂરી આપવી અને બાળકો પર ખાસ નજર રાખવી. આ ઉપરાંત રાત્રિના સમયે બિલ્ડિંગના દરેક માળ, બેઝમેન્ટ અને સંવેદનશીલ વિસ્તારોમાં નિયમિત પેટ્રોલિંગ કરવું પડશે. સીસીટીવી કંટ્રોલ રૂમમાં સતત મોનિટરિંગ કરીને કોઈપણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક સુપરવાઇઝર અથવા મેનેજમેન્ટને જાણ કરવાની રહેશે. ઈમરજન્સીની પરિસ્થિતિમાં સમય બગાડ્યા વગર કાર્યવાહી થઈ શકે તે માટે પોલીસ સ્ટેશન, ફાયર ફાઇટર અને હોસ્પિટલના સંપર્ક નંબર હંમેશા ઉપલબ્ધ રાખવા તેમજ વોકી-ટોકી અથવા ફોન દ્વારા સતત સંપર્કમાં રહેવા સૂચના આપવામાં આવી છે. સિક્યુરિટી સ્ટાફને ડ્યુટી દરમિયાન સજાગ, સક્રિય અને શિસ્તબદ્ધ રહેવા પણ અપીલ કરાઈ છે.
