સુરત પોલીસે 4 મહિનામાં ગુમ અને અપહરણ થયેલા 696 લોકોને શોધ્યા
પરિવારજનો સાથે મિલનના ભાવુક દ્રશ્યો સામે આવ્યા
પોલીસની આ માનવતાભરી કામગીરીને શહેરભરમાં બિરદાવવામાં આવી
લોકો સાથે રહેતી સુરત પોલીસ લોકો માટે હરહંમેશ કામગીરી કરે છે ત્યારે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતની આગેવાનીમાં છેલ્લા 4 મહિનામાં ગુમ અને અપહરણ થયેલા 696 લોકોને શોધી તેમના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું છે.
સુરત પોલીસે ખરેખર પ્રજાની રક્ષક હોવાનો અહેસાસ કરાવ્યો છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી વિશેષ તપાસ કામગીરીમાં 696 ગુમ અથવા અપહરણ થયેલા લોકોને શોધી કાઢવામાં આવ્યા છે. આમાં 260 બાળકોને સુરક્ષિત રીતે શોધી તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે, જ્યારે 440 જેટલા સિનિયર સિટીઝનને પણ શોધી પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું છે.
પોલીસની ટીમોએ દેશના વિવિધ રાજ્યોમાં જઈ સતત તપાસ, ટેકનિકલ સર્વેલન્સ અને મેદાની કામગીરી કરીને આ સફળતા મેળવી છે. પરિવારજનો સાથે મિલનના ભાવુક દ્રશ્યો સામે આવ્યા હતા, જ્યાં અનેક પરિવારોની આંખોમાં ખુશીના આંસુ જોવા મળ્યા હતાં. સુરત પોલીસની આ માનવતાભરી કામગીરીને શહેરભરમાં બિરદાવવામાં આવી રહી છે.
