સુરત હિંગલાજ માતાજીનું મંદિર આજે શ્રદ્ધા અને આસ્થાનું અનોખું કેન્દ્ર
51 શક્તિપીઠોમાં સ્થાન પામનાર હિંગલાજ માતાજીની 151મી વર્ષગાંઠ
ભવ્ય હવન, ભજન-કીર્તન, ઢોલ-નગારા અને મહાપ્રસાદનું આયોજન
સુરતના વાડીફળિયા-ગોપીપુરા વિસ્તારમાં આવેલું હિંગલાજ માતાજીનું મંદિર આજે શ્રદ્ધા અને આસ્થાનું અનોખું કેન્દ્ર બન્યું છે. 51 શક્તિપીઠોમાં સ્થાન પામનાર હિંગલાજ માતાજીની 151મી વર્ષગાંઠ નિમિત્તે ભવ્ય હવન, ભજન-કીર્તન, ઢોલ-નગારા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજરી આપી.
સુરતના ઐતિહાસિક વાડીફળિયા વિસ્તારમાં આવેલા હિંગલાજ માતાજીના મંદિરે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી. ખત્રી સમાજ સહિત વિવિધ સમાજના શ્રદ્ધાળુઓએ હવનમાં ભાગ લીધો, માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા અને સમગ્ર વિશ્વમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. મંદિર પરિસરમાં ભજન-કીર્તન, ઢોલ-નગારાના નાદ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હજારો ભાવિકોએ પ્રસાદ ગ્રહણ કર્યો. ઝંડાવાળા પરિવાર દ્વારા વર્ષોથી આ પરંપરાનું નિષ્ઠાપૂર્વક આયોજન કરવામાં આવે છે, જેના કારણે દર વર્ષે દૂર-દૂરથી ભક્તો અહીં દર્શન માટે આવે છે.
હિંદુ માન્યતા અનુસાર, રાજા દક્ષે એક વિશાળ યજ્ઞનું આયોજન કર્યું હતું. પરંતુ તેમણે પોતાના જમાઈ ભગવાન શિવને આમંત્રણ આપ્યું નહોતું. માતા સતી પિતાના યજ્ઞમાં પહોંચ્યા, જ્યાં ભગવાન શિવનું અપમાન થતાં તેમણે યજ્ઞકુંડમાં યોગાગ્નિ દ્વારા દેહત્યાગ કર્યો. આ સમાચાર મળતા ભગવાન શિવે માતા સતીના દેહને ખભા પર લઈ તાંડવ શરૂ કર્યું. સમગ્ર સૃષ્ટિનું સંતુલન જળવાઈ રહે તે માટે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી માતા સતીના દેહના 51 ભાગ કર્યા. જ્યાં જ્યાં આ અંગો પડ્યા ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઈ. માન્યતા મુજબ માતા સતીનું મસ્તક આજના પાકિસ્તાનના બલોચિસ્તાનમાં પડ્યું, જ્યાં હિંગલાજ માતાનું પવિત્ર શક્તિપીઠ આવેલું છે. સુરતનું હિંગલાજ માતાજીનું મંદિર એ જ આસ્થાનું પ્રતિક માનવામાં આવે છે. અહીં દર ગુરુવારે અને અમાસના દિવસે વિશેષ પૂજા-અર્ચના થાય છે અને હજારો ભક્તો માતાજીના દર્શન માટે આવે છે. આજે યોજાયેલી 151મી વર્ષગાંઠની ઉજવણી માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં, પરંતુ સમાજની એકતા, સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખવાનો એક સુંદર પ્રયાસ પણ બની રહી છે.
