ઉકાઈના લીમ્બી ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળના શેરૂલા બાવલીમાં અસુવિધા
રસ્તા સહિત પાયાની સુવિધાઓનો અભાવ
લાંબા સમયથી ફરિયાદો છતાં કોઈ નક્કર કાર્યવાહી નહીં
આઝાદીના દાયકાઓ બાદ પણ વિકાસથી વંચિત ગ્રામજનોમાં ભારે નારાજગી લીમ્બી ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળના શેરૂલા બાવલી વિસ્તારમાં બોરદા મેઈન રોડથી ગામને જોડતો રસ્તો, પુલ સામેનો માર્ગ તથા કાથુંડ ફળિયામાં રસ્તાનો સંપૂર્ણ અભાવ. જૂની જર્જરીત પાણીની ટાંકી અંગે લાંબા સમયથી ફરિયાદો છતાં કોઈ નક્કર કાર્યવાહી નહીં.
સોનગઢ..ઉકાઈ તાલુકામાં તાજેતરમાં રચાયેલ તાલુકામાં સમાવિષ્ટ લીમ્બી ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળ આવતું શેરૂલા બાવલી વિસ્તાર આજ સુધી પાયાની સુવિધાઓથી વંચિત હોવાનું ચિત્ર સામે આવ્યું છે. આઝાદીના દાયકાઓ બાદ પણ અહીંના ગ્રામજનોને રસ્તા, પાણી, ગટર અને અન્ય સુવિધાઓના અભાવનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે સરકારના વિકાસ દાવાઓ માત્ર કાગળ પર જ સીમિત હોય તેવી લાગણી સ્થાનિકોમાં વ્યાપી છે. લીમ્બી ગ્રુપ ગ્રામ પંચાયતમાં શેરૂલા, સરજામલી અને બાવલી ગામોનો સમાવેશ થાય છે. પરંતુ બાવલી વિસ્તાર જાણે વિકાસની મુખ્યધારાથી અલગ પડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. બોરદા મેઈન રોડથી ગામમાં પ્રવેશતો મુખ્ય રસ્તો, પુલ સામેનો માર્ગ તેમજ કાથુંડ ફળિયા વિસ્તારમાં આજે પણ પાકા રસ્તાનો અભાવ છે. વર્ષોથી કાચા અને બિસ્માર રસ્તાના કારણે શાળા-કોલેજે જતાં વિદ્યાર્થીઓ, પશુપાલકો તેમજ ગ્રામજનોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં આ રસ્તાઓ પરથી પસાર થવું જોખમરૂપ બનતું હોવાની ફરિયાદ ગ્રામજનો કરે છે. તે ઉપરાંત ગામમાં આવેલી જૂની અને જર્જરીત પાણીની ટાંકીને લઈને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજ સુધી કોઈ નક્કર કાર્યવાહી થતી ન હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.
પાણી, ગટર અને શૌચાલય જેવી પાયાની સુવિધાઓના અભાવને કારણે લોકોમાં સ્થાનિક નેતાઓ પ્રત્યે આક્રોશ જોવા મળી રહ્યો છે. આદિવાસી વસ્તી ધરાવતા આ વિસ્તારમાં વસવાટ કરતા લોકોનું કહેવું છે કે તેઓને માત્ર ચૂંટણીના સમયે જ યાદ કરવામાં આવે છે. વિકાસના નામે વચનો તો મળે છે, પરંતુ અમલ થતો નથી. લીમ્બી ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળના શેરૂલા બાવલી વિસ્તાર સાથે ભેદભાવની નીતિ અપનાવવામાં આવી રહી હોવાનો આક્ષેપ પણ સ્થાનિકો કરી રહ્યા છે. ગ્રામજનોની માંગ છે કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ગામની મુલાકાત લઈ, રસ્તા, પાણીની ટાંકી સહિતની પાયાની સમસ્યાઓનું સત્વરે નિરાકરણ લાવવામાં આવે, જેથી વર્ષોથી વિકાસની રાહ જોઈ રહેલા લોકોમાં વિશ્વાસ પુનઃસ્થાપિત થઈ શકે….
