પત્નીને હેરાન કરવા બદલ ઠપકો આપ્યો તો હત્યા કરી દીધી
સુરતમાં અસામાજિક તત્વોનો આતંક રોજેરોજ જોવા મળી રહ્યો છે ત્યારે કોસાડ આવાસમાં પત્નિની હેરાનગતિ કરનારાઓને ઠપકો આપતા યુવાન પર જીવલેણ હુમલો કરી અસામાજિક તત્વોએ હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી હતી.
સુરતમાં હાલ અસામાજિક તત્વો બેફામ બની જાણે કાયદાનુ ઉલ્લંઘન કરતા હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે કોસાડ આવાસમાં પત્નિની છેડતી કરનારને ઠપકો અપાતા પતિની હત્યા કરી દેવાઈ હોવાનો બનાવ સામે આવ્યો છે.વાત એમ છે કે સુરતના કોસાડ આવાસમાં રહેતા 27 વર્ષીય ઈઝરાઈલ મુસ્તાક શેખ કાપડની દુકાનમાં મજુરીકામ કરે છે. અને તેની પત્નિ કોસાડ આવાસ પાસેથી પસાર થતી હતી ત્યારે માથાભારે મુસદદીક ફારૂક પટેલે તેની પાસે જઈ મોબાઈલ નંબર માંગ્યો હતો જે અંગે ઈઝરાઈલની પત્નિએ તેને જાણ કરતા સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં ઈઝરાઈલ તેના મિત્ર અલી સાથે કોસાડ આવાસમાં ગેટ પાસે ઉભેલા મુસદદીક પટેલ પાસે ગયો હતો અને ઠપકો આપતા મુસદદીક પટેલે તેના મિત્ર સાહિલ સાથે મળી ચપ્પુ વડે ઈઝરાઈલ અને અલી પર હુમલો કર્યો હતો જેમાં ઈઝરાઈલને છાપીમાં ચપ્પુ મારી દેતા તેનુ મોત નિપજ્યુ હતું. જ્યારે અલીને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. હાલ તો બનાવને લઈ અમરોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.