હોટ ફિક્સ પ્લાસ્ટિક વેસ્ટ મામલે મનપાની કામગીરી સામે સવાલો
ધારાસભ્ય કુમાર કાનાણીએ મનપા કમિશનરને પત્ર લખ્યો
સુરત મનપા માટે હોટ ફિક્સ પ્લાસ્ટિક વેસ્ટ હવે માથાનો દુખાવો બન્યો હોય તેમ છેલ્લી ઘડીએ જાગેલી પાલિકાએ કામગીરી શરૂ કરી તો લોકોની રોજગારી પર સંકટ ઉભું થયું હોવાના આક્ષેપો થયા છે. ત્યારે આ સમગ્ર મામલે ધારાસભ્ય કુમાર કાનાણીએ મહાનગરપાલિકા કમિશનરને પત્ર લખીને સવાલો ઉઠાવ્યા છે.
વરાછા વિસ્તારમાં હોટ ફિક્સ પ્લાસ્ટિક કચરાના નિકાલનો મુદ્દો હવે રાજકીય રીતે પણ ગરમાયો છે. ધારાસભ્ય કુમાર કાનાણીએ પાલિકા તંત્ર સામે સવાલ ઉઠાવતા કહ્યું કે છેલ્લા ચાર વર્ષથી વરાછા વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં પરિવર્તિત થઈ રહ્યો હતો, તો અધિકારીઓએ તે સમયે કાર્યવાહી કેમ ન કરી? રહેણાંક વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ પ્રવૃત્તિઓને મંજૂરી કે છૂટછાટ કેવી રીતે મળતી ગઈ? આજે મશીનો બંધ કરાવવાથી સમસ્યાનું નિરાકરણ નહીં આવે, પરંતુ વર્ષોથી ઉભી થયેલી રોજગારી પર સીધી અસર પડશે એવો દાવો ધારાસભ્યએ કર્યો છે. કાનાણીએ પ્લાસ્ટિક વેસ્ટના યોગ્ય નિકાલ માટે વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી છે અને કહ્યું છે કે વહીવટી તંત્રની ભૂલનો ભોગ સામાન્ય લોકોની રોજગારી ન બનવી જોઈએ. સાથે જ મેયરના નિવાસસ્થાને કચરો નાખવાના મુદ્દે પણ તેમણે રાજકીય નિશાન સાધ્યું છે. તેમનો સવાલ છે કે જે લોકો અગાઉ વર્ષો સુધી આ વિસ્તારમાં કોર્પોરેટર રહ્યા, તેમણે ત્યારે કચરાના મુદ્દે અવાજ કેમ ન ઉઠાવ્યો? હવે જ્યારે સ્થિતિ વણસી છે ત્યારે મશીન બંધ કરાવવું નહીં, પરંતુ કચરાના નિકાલનો કાયમી ઉકેલ લાવવો જરૂરી છે એવી ધારાસભ્ય કાનાણીએ માંગ કરી હતી.
