સુરત : ઓડિટ ફીમાં દસ ગણા વધારા સામે વિરોધ
સુરત જિલ્લાની 350 મંડળીઓએ રજૂઆત કરી
જિલ્લા અર્બન કો ઓપ. ક્રેડિટ સોસા. ફેડરેશન લિ. દ્વારા આવેદન
સુરત જિલ્લા અર્બન કો ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીઝ ફેડરેશન લિમિટેડ દ્વારા ઓડિટ ફીમાં દસ ગણા વધારા સામે વિરોધ કરી સુરત જિલ્લાની 350 મંડળીઓએ રજૂઆત કરી હતી.
સુરત જલ્લા અર્બન કો ઓપરેટીવ ક્રિડેટ સોસાયટી ફેડરેશન લિમિટેડ દ્વારા સુરત કલેકટરને આપેલા આવેદન પત્રમાં જણાવ્યુ હતું કે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા 3 સપ્ટેમ્બર ના રોજ સૂચના જાહેર કરાઈ હતી કે સરકારના નોટિફિકેશન મુજબ મંડળીઓ માટે ઓડિટ ફી ના દરોમાં અસહ્ય વધારો કરવામાં આવ્યો છે, જે ધિરાણ સહકારી મંડળીઓ માટે ભારે આર્થિક ભારરૂપ સાબિત થઈ રહ્યો છે. તેમજ જેનું કામ નાનું હોય તેવી સંસ્થાઓને આ ફી આર્થિક રીતે ભારણ રૂપ થશે અને સોસાયટીઓ બંધ થવાને આરે આવશે. ધિરાણ સહકારી મંડળીઓ માંથી નાના વેપારીઓ, મધ્યમ વર્ગની વ્યક્તિઓ, વ્યક્તિગત કારીગરો તથા શ્રમિકો ધિરાણ મેળવતા હોય છે. જો આપના તરફથી ઓડિટ ફીમાં કરવામાં આવેલો અસહ્ય વધારો ચાલુ રાખવામાં આવશે તો ધિરાણ સહકારી મંડળીઓએ તેના ધિરાણના વ્યાજના દરમાં પણ વધારો કરવો પડશે અને જેની વિપરીત અસર નાના અને મધ્યમ વર્ગના ધિરાણ લેનારાઓને થશે. આવા લોકોની આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિને પ્રતિકૂળ અસર થશે. જેથી શોષણવિહીન સમાજ રચનાની ભાવનાને ઠેસ પહોંચશે. પરિણામે સહકારી મંડળીઓની જે હેતુથી સ્થાપના કરવામાં આવેલ છે તે સિધ્ધાંતનો કોઈ અર્થે રહેશે નહીં. ધિરાણ સહકારી મંડળીઓની આવક મર્યાદિત વ્યાજના તફાવતથી થાય છે, જ્યારે વધતા વહીવટી ખર્ચ અને નવી ટેક્નોલોજીના ખર્ચાને કારણે તેઓ પહેલેથી જ દબાણમાં છે. મોંઘવારીના કારણે ડિપોઝિટ અને લોનના આંકડા મોટા દેખાય છે પરંતુ નફો વધતો નથી, જેના કારણે વધારાની ઓડિટ ફ્રી સહન કરવી મુશ્કેલ બની રહી છે. સુરત જિલ્લા અર્બન કો- ઓ. ક્રેડિટ સોસાયટીઝ ફેડરેશન લિ દ્વારા જિલ્લા રજીસ્ટર સાહેબશ્રી ને આવેદનપત્ર આપવા માટે દરેક મંડળીઓમાંથી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. અને સુરત જિલ્લાની ૩૫૦ થી વધુ ધિરાણ સહકારી મંડળીઓએ સંયુક્ત રીતે સરકારને રજૂઆત કરી છે કે ઓડિટ ફી ના દરોમાં રાહત આપવામાં આવે., ટર્નઓવર આધારિત તેમજ લોન આપવામાં આવેલી રકમ ઉપર જેમ બેંકોને છૂટ આપવામાં આવી છે તેવી જ રીતે ધિરાણ મંડળીઓને છૂટછાટ આપવામાં આવે., નાની અને મધ્યમ ધિરાણ સહકારી મંડળીઓએ માટે વિશેષ રાહત આપવામાં આવે. સાથે એમાં સૂચવવામાં આવેલ ઓડિટ ફી ના દરોમાં વધારાથી સરકારના રેવન્યુ આવકમાં કોઈ વધારો કે ઘટાડો થતો ન હોય, સહકારી ધિરાણ મંડળીઓના હિત અને અસ્તિત્વ જાળવી રાખવાના શુભ હેતુથી ઓડિટ ફી ના દરો ઘટાડવા અત્યંત જરૂરી છે, કારણ કે સ્મોલ બેંકની હરીફાઈમાં સહકારી ધિરાણ મંડળીઓને ટકવું ખૂબ મુશ્કેલ છે. જેથી ધિરાણ સહકારી મંડળીઓએ ચેતવણી આપી છે કે જો આ વધારો પાછી ખેંચવામાં નહીં આવે તો ઘણી સોસાયટીઓ બંધ થવાની કગાર પર આવી જશે, જે સહકારી ક્ષેત્ર માટે ગંભીર નુકસાનકારક સાબિત થશે. હાલમાં ભારત સરકાર દ્વારા સહકાર ક્ષેત્ર ને મજબૂત કરવાની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે ત્યારે આવા અસહ્ય ફી વધારા થી સહકાર ક્ષેત્રે મોટુ નુકશાન થશે એ વાત માં કોઈ બે મત નથી.
