આગામી દિવસોમાં પ્રધાનમંત્રી મોદીની નવસારી જિલ્લાની સંભવિત મુલાકાત
સાંસદ સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક
આગામી દિવસોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નવસારી જિલ્લાની સંભવિત મુલાકાતને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં ફ્લેગશિપ યોજનાઓ, જળ સ્વચ્છતા, ગ્રામ વિકાસ અને જિલ્લાના સર્વાંગી વિકાસ અંગે વિભાગવાર સમીક્ષા સાથે જિલ્લાના સરપંચો અને ચૂંટાયેલા સભ્યોને કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક પાત્ર લાભાર્થી સુધી સમયસર પહોંચે તે માટે સંકલિત પ્રયાસો કરવા તેમજ નવસારી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે પરિણામલક્ષી કામગીરી કરવા આહવાન કરવામાં આવ્યું છે.
નવસારી ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લાના વિકાસલક્ષી કાર્યક્રમોની પ્રગતિ અને ભાવિ આયોજન અંગે વિવિધ વિભાગોએ વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કર્યા હતા. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે અધિકારીઓ, સરપંચો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક પાત્ર લાભાર્થી સુધી સમયસર પહોંચે તે માટે સંકલિત અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપી હતી. સી.આર. પાટીલે જણાવ્યું કે, ભારત સરકારના અધિકારીઓ દ્વારા તૈયાર કરાયેલા ઇન્ડેક્સના આધારે નવસારી જિલ્લાને દેશનો મોડલ જિલ્લો બનાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવે. તેમણે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ બાકી રહેલી તમામ પાત્ર દીકરીઓના ખાતા ખોલવા, સ્વચ્છતા અભિયાનને વધુ મજબૂત બનાવવા, કચરાના યોગ્ય નિકાલ, જળ વ્યવસ્થાપન, વરસાદી પાણી સંગ્રહ, ગ્રામ વિકાસ અને પંચાયત એડવાન્સ ઇન્ડેક્સમાં સુધારા સાથે ગામોના મુખ્ય માર્ગોથી ગામ સુધી વ્યાપક વૃક્ષારોપણ કરવા પર ભાર મૂક્યો હતો.
આ બેઠકમાં વિવિધ યોજનાઓના અસરકારક અમલીકરણ, વિકાસલક્ષી કાર્યક્રમોની સતત મોનિટરિંગ અને નવસારીને દેશના શ્રેષ્ઠ મોડલ જિલ્લાઓમાં સ્થાન અપાવવા માટે વ્યાપક મનોમંથન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાની, જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, નવસારી મહાનગરપાલિકાના કમિશનર જયેશ ઉપાધ્યાય, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ નિરાલીબેન નાયક, ભારત સરકારના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ, સરપંચો, પદાધિકારીઓ અને ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા..
