સુરતમાં મેમોથી બચવા રત્નકલાકારની કરતૂત
બીજા કોઈની ગાડીની નંબર પ્લેટ લગાવી દીધી
મૂળ માલિકને 5મેમો આવતા હકીકત સામે આવ્યું
સુરતમાં હાલ પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાથી ટ્રાફિક નિયમનનું ભંગ કરનારાઓન મેમો અપાઈ રહ્યો છે ત્યારે ટ્રાફિક પોલીસના મેમોથી બચવા અન્યની બાઈકની નંબર પ્લેટ લગાવી ફરતા રત્નકલાકારને વરાછા પોલીસે ઝડપી પાડ્યો છે. નંબર પ્લેટ જેના નામની ગાડીની હતી તેના ઘરે પાંચ મેમો આવતા સમગ્ર મામલે સામે આવ્યુ હતું.
સુરતમાં ટ્રાફિક પોલીસના કડક કાયદાને લઈ ટ્રાફિક નિયમન ભંગ કરનારાઓમાં ફફડાટ છે જો કે હવે ટ્રાફિક પોલીસના નિયમનનો ઉલ્લંઘન કરનારાઓ અનેક ગતકડાઓ કરતા હોય તેવુ સામે આવ્યુ છે. હાલ આપણે વાત કરી રહ્યા છે વરાછા વિસ્તારની. વરાછા પોલીસ મથકમાં એક ઈસમે ફરિયાદ નોંધાવી હતી કે તેઓની ગાડીના નંબરની અન્ય કોઈ વ્યક્તિએ નંબર પ્લેટ બનાવી છે અને તેના દ્વારા ટ્રાફિક નિયમનનું ઉલ્લંઘન કરાતા તેઓની પાસે પાંચ જેટલા મેમો આવ્યા છે. જે સમયે તેઓની મોપેડના મેમો આવ્યા તે સમયે તેઓની મોપેડ ઘરે હતી જેથી વરાછા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી અને ઉપરોક્ત નંબર વાળી ગાડી લઈ ફરતા કાપોદ્રા વિસ્તારમાં રહેતા રત્નકલાકાર પ્રિતેશહિંમત સીતાપરાને ઝડપી પાડ્યો હતો અને પુછપરછ કરતા તેણે કબુલાત કરી હતી કે ટ્રાફિકના મેમોથી બચવા માટે તેણે બીજાની નંબર પ્લેટનો ઉપયોગ કરવાનુ નક્કી કર્યુ હતું. અને પોતાની મોપેડ પર ફરિયાદીની મોપેડની નંબર પ્લેટ લગાવી ખુલ્લેઆમ ફરતો હતો. હાલ તો વરાછા પોલીસે અન્યની મોપેડનો નંબર પોતાની મોપેડ પર લગાવી ફરનાર રત્નકલાકાર પ્રિતેશની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.