ભાવનગર ANWની પ્રથમ NDPS કાર્યવાહી, કફ સિરપ સાથે એક આરોપી ઝડપાયો
પીલ ગાર્ડન પાસેથી Codeine Phosphate ધરાવતી 10 બોટલ જપ્ત
નિલમબાગ વિસ્તારમાંથી હિતેષ ઉર્ફે હેમંગ રાઠોડ ઝડપાયો
નશાકારક કફ સિરપના જથ્થા સાથે આરોપીની ધરપકડ
ભાવનગર જિલ્લામાં નવી રચાયેલી એન્ટી નાર્કોટિક્સ વિંગ એટલે કે ANWએ નશીલા પદાર્થો સામે પ્રથમ કાર્યવાહી હાથ ધરી છે. નિલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીલ ગાર્ડન પાસેથી Codeine Phosphate ધરાવતી કફ સિરપની 10 બોટલ સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. આ મામલે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ગુજરાતમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેચાણ, સંગ્રહ, હેરાફેરી અને સપ્લાય સામે અસરકારક કાર્યવાહી માટે જિલ્લા અને પોલીસ કમિશ્નરેટ કક્ષાએ એન્ટી નાર્કોટિક્સ વિંગની રચના કરવામાં આવી છે. ભાવનગર જિલ્લામાં પણ પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારીના માર્ગદર્શન અને પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના સીધા સુપરવિઝન હેઠળ ANWની રચના કરવામાં આવી છે. ANW પોલીસ ઇન્સ્પેક્ટર ડી.યુ. સુનેસરાના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. ASI જયરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે નિલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પીલ ગાર્ડન ખાતેથી હિતેષ ઉર્ફે હેમંગ રાજુભાઈ રાઠોડને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપીના કબજામાંથી Codeine Phosphate ઘટક ધરાવતી કફ સિરપની 10 બોટલ જપ્ત કરી હતી. પોલીસે આ મામલે NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. ANWનો મુખ્ય હેતુ નશીલા પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે માહિતી મેળવી તેના સપ્લાય નેટવર્ક સુધી પહોંચવાનો અને સંડોવાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો છે.
