સુરતમાં ડ્રગ્સ સામે પોલીસનું કડક અભિયાન, 2 કિલોથી વધુ ગાંજો ઝડપાયો
કાપોદ્રા પોલીસે બાતમીના આધારે 4 આરોપીઓને ઝડપી પાડ્યા
કાપોદ્રા ચાર રસ્તા નજીક ઊર્જા સદન પાસેથી ગાંજાનો જથ્થો ઝડપાયો
સુરતમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને માદક પદાર્થોની હેરાફેરી સામે પોલીસની કડક કાર્યવાહી હાથ ધરી છે ત્યારે કાપોદ્રા પોલીસે વિશેષ અભિયાન હેઠળ કાપોદ્રા ચાર રસ્તા નજીક ઊર્જા સદન પાસેથી બાતમીના આધારે 2 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે 4ની ધરપકડ કરી હતી.
સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી શહેર વિસ્તારમાં સઘન ચેકિંગ અને વોચ રાખવામાં આવી રહી છે. આ દરમિયાન કાપોદ્રા ચાર રસ્તા નજીક આવેલ ઊર્જા સદન પાસે કેટલાક શંકાસ્પદ ઈસમો ગાંજાનો બેગ લઈને પસાર થઈ રહ્યા હોવાની ચોક્કસ બાતમી કાપોદ્રા પોલીસને મળી હતી. જે બાતમીના આધારે કાપોદ્રા પોલીસે ત્યાં વોચ ગોઠવી ત્યાંથી 4 ઈસમોને ઝડપી પાડ્યા હતા. અને તેઓની તપાસ કરતા તેઓ પાસેથી 1.18 લાખથી વધુની કિંમતનો 2 કિલો 121 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો જેથી કાપોદ્રા પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી તેમની સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
