સુરતના ખેડૂતોનો પાવરગ્રીડ સામે વિરોધ
જમીન પર ટાવર ઊભા કરતા પહેલાં પૂરેપૂરુ વળતર ચૂકવવાની માગ
સુનાવણી બાદ ‘જય જવાન જય કિસાન’ના નારા લગાવ્યા
પાવરગ્રીડનો વિરોધ ખેડૂતોમાં યથાવત જોવા મળી રહ્યો છે. સુરત જિલ્લા કલેકટરે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરીકે સૌ અસરગ્રસ્ત ખેડૂતોને કલમ 16/1 હેઠળ તા. 15/5/25ને ગુરુવારના રોજ બપોરે 3:30 કલાકે હાજર રહેવા નોટિસ પાઠવી હતી. છેલ્લા ઘણા સમયથી આ મુદ્દે કલેકટરને રજૂઆત કરવામાં આવી રહી છે છતાં સંતોષકારક વળતર અંગેનો જવાબ મળી રહ્યો નથી.
સુરત કલેકટર કચેરી ખાતે ખાવડા નવસારીના ખેડૂતોના વિરોધ કરાયો હતો. પાવરગ્રીડની અમદાવાદ-નવસારી લાઇન બાબતે સંપૂર્ણ વળતર એકસાથે અને ટાવર ઊભો થાય તે પહેલા આપવાનું પાવરગ્રીડ દ્વારા કહેવામાં આવ્યું હતું છતાં પણ એ વળતર હજુ સુધી એક પણ ખેડૂતને ચૂકવવામાં આવ્યું નથી. એમણે જણાવી દીધું હતું કે, જ્યાં સુધી એ વળતર જમા નહીં થાય ત્યાં સુધી હવે ખેડૂતો સહકાર આપવાના નથી. સમગ્ર જિલ્લામાં પાવરગ્રીડની બંને લાઇનો તેમજ સ્ટર્લાઈટની એક લાઇન, એમ ત્રણે ત્રણ લાઇનનું કામકાજ બંધ કરાવવામાં આવશે. કામરેજ તાલુકાના ખેડૂતોની ખેતીની જમીનનું વાસ્તવિક બજાર મૂલ્ય ખૂબ જ ઊંચું હોવા છતાં એમને જે નજીવું વળતર મળે છે, એની સામે પણ વધારે વળતરની માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. પાવરગ્રીડની વટામણ-નવસારી લાઇન સીધી રેખામાં નહિ લઈને ખૂબ જ વાંકીચૂકી રીતે લઈ જવાના પણ કારણો માંગવામાં આવ્યા છે. સુનાવણી પૂર્ણ થયા પછી ખેડૂતોએ ખેડૂત સમાજ જિંદાબાદ, જય જવાન જય કિસાન જેવા નારાઓ લગાવી પોતાની વાતો મીડિયા સમક્ષ પણ મૂકી હતી.