રાજકોટમાં સગીરા પર દુષ્કર્મ અને બ્લેકમેઇલિંગની ઘટના
ધોરણ-12 ની વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી
ન્યૂડ ફોટો-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ
રાજકોટ શહેરમાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મનો ગંભીર બનાવ સામે આવ્યો છે. ધોરણ-12 માં અભ્યાસ કરતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી યુવકે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે.
રાજકોટ શહેરમાં સગીરા સાથે દુષ્કર્મનો ગંભીર કેસ સામે આવ્યો, એટલું જ નહીં, ન્યૂડ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી માનસિક ત્રાસ આપ્યો અને ગર્ભવતી બન્યા બાદ પરાણે ગર્ભપાત કરાવ્યાનો પણ આરોપ છે. સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસે પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી એક મુખ્ય આરોપી અને તેના સગીર ભત્રીજાને ઝડપી પાડવામાં આવ્યો છે. મૂળ જૂનાગઢની અને હાલ રાજકોટની ગર્લ્સ હોસ્ટેલમાં રહી ધોરણ-12માં અભ્યાસ કરતી સગીરાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના કાત્રાસા ગામના હર્ષદસિંહ દેવધરીયા અને રાજકોટના ધરમનગર વિસ્તારમાં રહેતા તેના સગીર વયના ભત્રીજાને આરોપી બનાવવામાં આવ્યા છે.
પોલીસ તપાસ મુજબ, આરોપી અને પીડિતા બંનેની ઓળખાણ જૂનાગઢમાં અભ્યાસ દરમિયાન થઈ હતી. આરોપીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં સગીરા વધુ અભ્યાસ માટે રાજકોટ આવી હોસ્ટેલમાં રહેવા લાગી હતી. જોકે, આરોપી તેનો પીછો કરતાં રાજકોટ પહોંચ્યો હતો અને પોતાના ભત્રીજાની મદદથી સગીરાને ધરમનગર સ્થિત સરકારી ક્વાર્ટરમાં લઈ ગયો હતો. જ્યાં સગીરાની ઇચ્છા વિરુદ્ધ અનેક વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું અને સતત શારીરિક શોષણના કારણે સગીરા ગર્ભવતી બની હતી. બાદમાં સગીરા ગર્ભવતી હોવાની જાણ થતાં આરોપીઓએ સમગ્ર મામલો છુપાવવા માટે ગર્ભપાત કરાવવાના હેતુથી દવાઓ ખવડાવી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. આરોપીઓએ સગીરાના ન્યૂડ ફોટા અને વીડિયો બનાવી તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની તેમજ પરિવારને બદનામ કરવાની ધમકી આપી સતત માનસિક દબાણ કર્યું હતું. આખરે કંટાળેલી સગીરાએ પરિવારને સમગ્ર હકીકત જણાવી હતી, જેના આધારે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
