નવસારીમાં પૂરગ્રસ્ત પરિવારો માટે ભાજપ દ્વારા કીટો તૈયાર
4,000 રાહત કીટોનું પેકિંગ અને વિતરણ
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શન તેમજ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલના સૂચનાથી નવસારી જિલ્લામાં પૂરથી અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત મળી રહે તે હેતુથી ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશાળ સેવા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સેવા અભિયાન અંતર્ગત 4,000 રાહત કીટો તૈયાર કરવામાં આવી હતી.
કમલમ ખાતે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સેવાભાવ સાથે રાહત કીટોના પેકિંગની કામગીરી કરી હતી. આ કીટોમાં ચોખા, ખાંડ, તુવેર દાળ, ખાદ્ય તેલ, ચા, મરચું પાવડર, હળદર, ધાણા-જીરું પાવડર, મીઠું, બટાકા, કાંદા અને ચણા જેવી આવશ્યક જીવનોપયોગી ખાદ્ય સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કાર્યકર્તાઓએ સતત મહેનત કરીને ટૂંકા સમયમાં તમામ 4,000 રાહત કીટો તૈયાર કરી હતી. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આ રાહત કીટો નવસારી શહેરના વિવિધ પૂરગ્રસ્ત વિસ્તારો તેમજ ગણદેવી તાલુકાના સૌથી વધુ અસરગ્રસ્ત ગામો અને વિસ્તારોમાં જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચાડવામાં આવી હતી. પૂરથી પ્રભાવિત પરિવારોને સમયસર જીવનજરૂરી સામગ્રી મળી રહે અને મુશ્કેલીના સમયમાં તેમને તાત્કાલિક સહાય મળી રહે તે માટે સમગ્ર કામગીરીનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર સેવા અભિયાનનું નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ભુરાભાઈ શાહે સંકલન કર્યું હતું. તેમના માર્ગદર્શન હેઠળ કાર્યકર્તાઓએ સુવ્યવસ્થિત આયોજન સાથે રાહત કીટોના પેકિંગથી લઈને જરૂરિયાતમંદ પરિવારો સુધી વિતરણની સમગ્ર કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. આ સમગ્ર સેવા અભિયાનમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ દિવસ-રાત નિષ્ઠાપૂર્વક સેવા આપી હતી. આપત્તિના સમયમાં પીડિત પરિવારોની પડખે ઊભા રહી માનવસેવાને સર્વોપરી ધર્મ માની ભારતીય જનતા પાર્ટી દ્વારા સતત રાહત અને સહાયની કામગીરી કરવામાં આવી હતી. હજારો પરિવારો સુધી જીવનજરૂરી સામગ્રી પહોંચાડીને મુશ્કેલીની આ ઘડીમાં તેમને હિંમત અને સહારો પૂરો પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર સેવા અભિયાન કાર્યકર્તાઓના સમર્પણ, સંગઠનશક્તિ અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ બન્યું હતું…..
