સુરત પાંડેસરામાં સોના-ચાંદીના ઘરેણા પરત બાબતે હત્યા
વડોદ કમલા ચોક વિસ્તારમાં બનેલી ચકચારી હત્યાની ઘટના
પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી
સુરતના પાંડેસરા વિસ્તારમાં સોના-ચાંદીના ઘરેણા પરત માંગવાની બાબત હત્યામાં ફેરવાઈ હતી. વડોદ કમલા ચોક વિસ્તારમાં બનેલી આ ચકચારી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાવી છે. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી છે.
સુરતના પાંડેસરા વિસ્તારના વડોદ કમલા ચોક ખાતે મહિલાની હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી વાત એમ છે કે મોહિત અને રણુદેવી એક જ કપડાની કંપનીમાં કામ કરતા હતાં. રણુદેવી પોતાના 25 વર્ષીય માનસિક અશક્ત પુત્ર વિદ્યાકાંત સાથે રહેતા હતા. થોડા સમય પહેલા તેમના ઘર પાસે ચોરીની ઘટના બનતા તેમણે પોતાના કિંમતી સોના-ચાંદીના ઘરેણા સુરક્ષિત રાખવા માટે ઓળખીતો મોહિતને સોંપ્યા હતા. બાદમાં ગામ જવાનું હોવાથી રણુદેવીએ પોતાના ઘરેણા પરત માંગ્યા હતા, પરંતુ આરોપી મોહિત વારંવાર આજકાલે આપુ તેમ કહેતો હતો. આખરે રણુદેવીએ ઘરેણા પરત નહીં આપે તો પોલીસ ફરિયાદ કરવાની ચેતવણી આપી હતી. આ વાતથી ઉશ્કેરાયેલા મોહિતે તીક્ષ્ણ હથિયાર વડે રણુદેવી પર હુમલો કર્યો હતો, જેમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઘટનાના પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ટૂંકી સારવાર દરમિયાન રણુદેવીનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે ઝડપી કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં આરોપી મોહિતને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી છે.
