દિલ્હીના લાલ કિલ્લા મેદાનમાં યોજાયો જનજાતિ સમાગમ 2026

Featured Video Play Icon
Spread the love

દિલ્હીના લાલ કિલ્લા મેદાનમાં યોજાયો જનજાતિ સમાગમ 2026
દેશભરના 500થી વધુ જનજાતિ સમુદાયોના લોકો રહ્યા ઉપસ્થિત
અમિત શાહે જનજાતીય સંસ્કૃતિ અને આસ્થાના સંરક્ષણ પર ભાર મૂક્યો
જનજાતિ સુરક્ષા મંચે ST લાભો અંગે કાયદાકીય સ્પષ્ટતાની કરી માંગ
રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સમક્ષ ત્રણ મુખ્ય માંગણીઓ રજૂ

દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા મેદાનમાં યોજાયેલા જનજાતિ સમાગમ 2026માં દેશભરના જનજાતિ સમાજના લોકો એકત્રિત થયા હતા. જનજાતિ સુરક્ષા મંચ ગુજરાત દ્વારા જાહેર કરાયેલા પ્રેસ નિવેદન મુજબ સમાગમમાં જનજાતીય સંસ્કૃતિ, પરંપરા અને બંધારણીય અધિકારોના સંરક્ષણનો મુદ્દો કેન્દ્રસ્થાને રહ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

દિલ્હીના લાલ કિલ્લા મેદાનમાં યોજાયેલા જનજાતિ સમાગમ 2026માં દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં જનજાતિ ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. પરંપરાગત વેશભૂષા, લોકનૃત્ય, વાદ્યો અને સાંસ્કૃતિક ઝાંખીઓ દ્વારા જનજાતીય વારસાની ભવ્ય રજૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જનજાતીય સમાજની આસ્થા, સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથેના તેના ગાઢ સંબંધને ભારતની સાંસ્કૃતિક શક્તિ ગણાવી હતી. તેમણે કહ્યું કે, “આસ્થાનો ત્યાગ એ સંસ્કૃતિનો ત્યાગ છે અને સંસ્કૃતિનો ત્યાગ એ ઓળખનો ત્યાગ છે.” જનજાતિ સુરક્ષા મંચે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ધર્માંતરણ બાદ પોતાની પરંપરાગત જનજાતીય આસ્થા, સંસ્કૃતિ અને જીવનશૈલીનો ત્યાગ કરનાર વ્યક્તિને અનુસૂચિત જનજાતિના બંધારણીય લાભો મળવા જોઈએ નહીં. મંચ દ્વારા રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સમક્ષ ત્રણ મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી છે. જેમાં અનુસૂચિત જનજાતિની સ્પષ્ટ કાનૂની વ્યાખ્યા નક્કી કરવી, સંબંધિત બંધારણીય જોગવાઈઓમાં સુધારા કરવા તેમજ જનજાતીય સમાજની સાંસ્કૃતિક અસ્મિતા અને અધિકારોના રક્ષણ માટે અસરકારક પગલાં લેવાની માંગ સામેલ છે. જનજાતિ સુરક્ષા મંચે જણાવ્યું કે આ મુદ્દો માત્ર અનામત કે કાનૂની જોગવાઈઓ પૂરતો મર્યાદિત નથી, પરંતુ કરોડો જનજાતીય લોકોની ઓળખ, પરંપરા અને અસ્તિત્વ સાથે જોડાયેલો પ્રશ્ન છે. સમાગમનો સમાપન જનજાતીય સમાજના અધિકારો અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણના સંકલ્પ સાથે કરવામાં આવ્યો હતો.

“જનજાતીય સમાજની ઓળખ, સંસ્કૃતિ અને બંધારણીય અધિકારોના સંરક્ષણ માટે લાલ કિલ્લા મેદાનમાંથી ઉઠેલો આ અવાજ હવે રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *