દાહોદ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ- ૨૦૨૬ : દ્વિતીય દિવસ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દાહોદ જિલ્લામાં
દાહોદના અંતરિયાળ મોટી ખરજ ગામે ઉપસ્થિત રહી ભૂલકાઓનો શાળા પ્રવેશ કરાવ્યો
મુખ્યમંત્રીશ્રીએ શૈક્ષણિક કીટ એનાયત કરી વડીલ સહજ વાત્સલ્યભેર સંવાદ કર્યો
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રોપેલું શિક્ષણનું બીજ આજે વટવૃક્ષ બન્યું છે
આદિવાસી વિસ્તારના યુવાનો આજે ડૉક્ટર, એન્જિનિયર અને પાયલોટ બની રહ્યા છે
નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના જેવી યોજનાઓ દીકરીઓના શિક્ષણ માટે સુરક્ષા કવચ સમાન
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આદિવાસી બહુલ દાહોદ જિલ્લાના મોટી ખરજ ગામેથી ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬’ના દ્વિતીય દિવસનો પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, રાજ્યના છેવાડાના વિસ્તારના બાળકોને પણ આધુનિક અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે સરકારની પ્રાથમિકતા છે. રાહડુંગરી વર્ગ પ્રાથમિક શાળા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ બાલવાટિકામાં ૬૭ અને અન્ય ધોરણોમાં મળી કુલ ૩૧૮ ભૂલકાઓને કુમકુમ તિલક કરી, શૈક્ષણિક કીટ અને સ્કૂલ બેગ આપી અક્ષરજ્ઞાનના પવિત્ર માર્ગે પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હૃદયસ્પર્શી અંદાજમાં જણાવ્યું હતું કે, “જ્યારે હું દીકરીઓને આત્મવિશ્વાસ સાથે બોલતી જોઉં છું, ત્યારે મારા હદયને આનંદ થાય છે”. તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શિક્ષણનું જે અભિયાન શરૂ કર્યું હતું, તેના પરિણામે આજે આદિવાસી પટ્ટાના બાળકો એન્જિનિયર, ડોક્ટર અને પાયલોટ બનીને દેશ-દુનિયામાં ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. શિક્ષણ માટેની જે વર્ષોની ભૂખ હતી, તે આજે પૂરી થતી જણાય છે. મુખ્યમંત્રીશ્રીએ શિક્ષણમાં આવેલા ગુણાત્મક પરિવર્તનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આજે ગ્રામ્ય વિસ્તારની શાળાઓ પણ સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ અને સાયન્સ લેબ જેવી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ થઈ છે. સરકાર વ્યવસ્થા આપવાની જવાબદારી નિભાવી રહી છે, ત્યારે વાલીઓએ પણ જાગૃત બનીને પોતાના બાળકોના શિક્ષણ પર ધ્યાન આપવું જોઈએ, તેમ હળવી ટકોર કરી તેમણે વાલીઓને મહિનામાં એકાદ વખત શાળાએ જઈ શિક્ષકોને મળવા અને બાળકોની પ્રગતિ જાણવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર, દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ગમાબેન મોહનીયા, સંગઠનના જિલ્લા પ્રમુખશ્રી સ્નેહલભાઈ ધરિયા, કલેક્ટર શ્રી સુરભી ગૌતમ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિતા લોઢા સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ, મોટી ખરજ ગામના સરપંચ સહિતના પદાધિકારીઓ, શિક્ષકગણ, શાળાના બાળકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા….
