તાપીમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો ભવ્ય પ્રારંભ

Featured Video Play Icon
Spread the love

તાપીમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો ભવ્ય પ્રારંભ
ઉચ્છલના નારાણપુર ખાતે સમગ્ર શિક્ષા મોડેલ સ્કૂલથી શરૂઆત
નવપ્રવેશી બાળકોનું કુમકુમ તિલક કરી કરાયું સ્વાગત
વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ અને ભેટો અર્પણ કરાઈ
કન્યા શિક્ષણ અને 100 ટકા પ્રવેશ પર મૂકાયો ભાર

રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના વ્યાપને વિસ્તૃત કરવા અને શૈક્ષણિક ગુણવત્તાને નવી ઊંચાઈઓ પર લઈ જવાના નિર્ધાર સાથે શરૂ કરવામાં આવેલા ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ વર્ષ ૨૦૨૬-૨૭’નો તાપી જિલ્લામાં ભવ્ય અને ઉત્સાહભર્યો પ્રારંભ થયો છે. સમગ્ર જિલ્લામાં આયોજિત આ ત્રિ-દિવસીય મહોત્સવની સત્તાવાર શરૂઆત ઉચ્છલ તાલુકાના નારાણપુર ગામે આવેલી ‘સમગ્ર શિક્ષા મોડેલ સ્કૂલ, નેસુ વડપાડા’ ખાતેથી કરવામાં આવી હતી.

કાર્યક્રમનું વિધિવત ઉદ્ઘાટન રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના અંડર સેક્રેટરી (US) સુશ્રી કિનલ ડી. ખરાડી અને તાપી જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી અમૃતાબેન ગામીતના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિક્ષણના મુખ્ય પ્રવાહમાં બાળકોને જોડવા અને ખાસ કરીને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. શાળાના આંગણે પ્રથમવાર ડગ માંડતા નવપ્રવેશી ભૂલકાઓનું શાળા પરિવાર દ્વારા કુમકુમ તિલક કરી અને તેમને શિક્ષણલક્ષી ભેટ અર્પણ કરી અનોખી રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દ્રશ્યોએ વાતાવરણમાં અનેરો ઉત્સાહ અને આનંદ પ્રસરાવ્યો હતો. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી કમલેશભાઈ માહ્યાવંશીએ શિક્ષણના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, “શાળા પ્રવેશોત્સવ એ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ શિક્ષણ પ્રત્યેની સામાજિક જવાબદારી નિભાવવાનો અવસર છે.” બી.આર.સી. પ્રફુલભાઈ ચૌધરીએ સમગ્ર શિક્ષા અભિયાન હેઠળની વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન આપતા વાલીઓને પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ સાથે સતત જોડાઈ રહેવા અનુરોધ કર્યો હતો.કાર્યક્રમમાં શાળાના શિક્ષકગણની સાથે ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. વાલીઓમાં પણ પોતાના સંતાનોને શિક્ષણના માર્ગે અગ્રેસર થતા જોઈ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર શૈક્ષણિક સંકુલ શિક્ષણના રંગે રંગાયેલું અને પ્રેરણાત્મક વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું. આગામી ત્રણ દિવસ દરમિયાન તાપી જિલ્લાની વિવિધ શાળાઓમાં પણ આ જ રીતે ઉત્સાહપૂર્વક પ્રવેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે, જેનો મુખ્ય હેતુ ડ્રોપ-આઉટ રેટ ઘટાડવા અને શિક્ષણની જ્યોતને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો છે. આ પ્રકારના અભિયાન થકી જિલ્લાના શૈક્ષણિક માળખાને વધુ મજબૂત અને ગુણવત્તાસભર બનાવવાના પ્રયાસો ફળીભૂત થશે તેમ સ્પષ્ટ જણાઈ રહ્યું છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *