સુમુલ ડેરીની સામાન્ય ચૂંટણીને લઈને સહકારી રાજકારણ ગરમાયું
જાહેરનામા બાદ ઉમેદવારી ફોર્મ અને ચકાસણી પ્રક્રિયા પૂર્ણ
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી સંસ્થાની ચૂંટણી પર સૌની નજર
ચૂંટણી પ્રક્રિયામાં નવા રાજકીય સમીકરણોની ચર્ચા તેજ
સુરત: દક્ષિણ ગુજરાતની સહકારી ક્ષેત્રની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત ગણાતી ‘સુમુલ ડેરી’ (ધી સુરત-તાપી જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ) ની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ અંતર્ગત રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ફોર્મ ભરવાની અને ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થતાં જ સહકારી રાજકારણમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે.
સુમુલ ડેરીની કુલ ૧૬ બેઠકો પૈકીની ૫ મહત્વની બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના અધિકૃત ઉમેદવારો સામે અન્ય કોઈ પ્રતિસ્પર્ધીએ નામાંકન ન ભરતાં, આ પાંચેય બેઠકો પર ભાજપે મતદાન પહેલાં જ બિનહરીફ વિજય મેળવીને ચૂંટણી પ્રક્રિયાના પ્રારંભે જ એકતરફી મેદાન મારી લીધું છે. સુમુલ ડેરીના આ વખતની ચૂંટણી સંગ્રામમાં ભાજપ પ્રદેશ નેતૃત્વ દ્વારા આંતરિક જૂથબંધી રોકવા માટે કડક વલણ અપનાવીને ‘મેન્ડેટ પ્રથા’ લાગુ કરવામાં આવી હતી. પક્ષના આ શિસ્તબદ્ધ આયોજન અને મજબૂત વ્યુહરચના સામે વિપક્ષ કે અન્ય કોઈ અપક્ષ ઉમેદવાર મેદાનમાં ટકી શક્યા નથી. જે ૫ બેઠકો પર માત્ર ભાજપના જ સત્તાવાર ઉમેદવારોના ફોર્મ આવ્યા છે, તેમની યોગ્ય ચકાસણી બાદ નામાંકન મંજૂર થતાં જ તેઓ બિનહરીફ વિજેતા જાહેર થવાનો માર્ગ સાફ થઈ ગયો છે. સહકારી આલમમાં આ પાંચેય આગેવાનો મોટું કદ ધરાવે છે, જેઓ બિનહરીફ થઈને સુમુલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી ચૂક્યા છે. આ બિનહરીફ થયેલા દિગ્ગજ ઉમેદવારોમાં ચોર્યાસી બેઠક પરથી સંદીપભાઈ જયંતીલાલ દેસાઈ, માંગરોળ બેઠક પરથી રાજેશકુમાર કાંતિલાલ પાઠક, પલસાણા બેઠક પરથી ભરતસિંહ ગુમાનસિંહ સોલંકી, કામરેજ બેઠક પરથી બળવંતભાઈ મોરારભાઈ પટેલ અને બારડોલી બેઠક પરથી અજીતભાઈ જગુભાઈ પટેલનો સમાવેશ થાય છે. આ પાંચેય બેઠકો પર સિંગલ ફોર્મ હોવાથી હવે માત્ર વિધિવત જાહેરાત જ બાકી રહી છે. હજારો કરોડનું ટર્નઓવર ધરાવતી સુમુલ ડેરીનો વહીવટ પશુપાલકો અને રાજકીય પક્ષો માટે હંમેશાં પ્રતિષ્ઠાનો જંગ રહ્યો છે. ત્યારે પ્રારંભિક તબક્કે જ ૫ બેઠકો ભાજપના ફાળે બિનહરીફ જતાં હવે બાકી રહેતી ૧૧ બેઠકો પર આગામી સમયમાં જબરદસ્ત રાજકીય સોગઠાંબાજી જોવા મળશે. વિપક્ષો દ્વારા બાકીની બેઠકો પર સત્તાધારી પક્ષને ટક્કર આપવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે, જેને કારણે આગામી દિવસોમાં યોજાનાર મતદાન ખૂબ જ રસપ્રદ અને ખરાખરીનું બની રહેશે તે નક્કી છે
