નડિયાદમાં પૂર્વ કાઉન્સિલર પર હુમલા મામલે 2 આરોપીની અટકાયત

Featured Video Play Icon
Spread the love

નડિયાદમાં પૂર્વ કાઉન્સિલર પર હુમલા મામલે 2 આરોપીની અટકાયત
કાકા-ભત્રીજા કિશોર પ્રજાપતિ અને કશ્યપ પ્રજાપતિની ધરપકડ
ઝાડ કાપવા જેવી સામાન્ય બાબતે થયો હતો ઝઘડો

નડિયાદ શહેરના વોર્ડ નંબર 10ના પૂર્વ મહિલા કાઉન્સિલર અને તેમના પરિવાર પર પડોશીઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ઝાડ કાપવા જેવી સામાન્ય બાબતમાં પડોશી પરિવાર સાથે બોલાચાલી થઈ હતી, જે બાદમાં ઉગ્ર મારામારીમાં પરિણમી હતી. આ ઝઘડા દરમિયાન પૂર્વ કાઉન્સિલર અને તેમના દીકરા પર ધારિયા જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવતા બંનેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે નાસભાગ અને ચકચારી માહોલ સર્જાયો હતો.

હુમલાની વિગત એવી છે કે નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં ચોમાસાની તૈયારીઓના ભાગરૂપે વૃક્ષોની આડેધડ વધેલી ડાળીઓ કાપવાની કામગીરી ચાલી રહી હતી. પૂર્વ કાઉન્સિલર તૃપ્તિબેનના પતિ પિયુષ પ્રજાપતિના જણાવ્યા અનુસાર, તેમના ઘરના ઝાડ કાપ્યા બાદ ફાયર બ્રિગેડના કર્મચારીઓ બાજુમાં આવેલા નીતિન પ્રજાપતિના ઘરે ઝાડ કાપવા માટે ગયા હતા. આ સમયે નીતિન પ્રજાપતિનો દીકરો કશ્યપ પ્રજાપતિ અચાનક ઉશ્કેરાઈ ગયો હતો અને ફાયર બ્રિગેડના કર્મચારીઓના હાથમાંથી કાતર ઝૂંટવીને લઈ ગયો હતો. કાતર ઝૂંટવી લીધા બાદ કશ્યપ પ્રજાપતિ પોતાના ઘરમાં જઈને બિભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. આ સાંભળીને પિયુષ પ્રજાપતિએ તેને ટોક્યો હતો અને ગાળો બોલવાની ના પાડીને જણાવ્યું હતું કે તેના દાદાના કહેવાથી જ ઝાડ કાપવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ વાત સાંભળતા જ કશ્યપ પ્રજાપતિ વધુ ઉશ્કેરાઈ ગયો હતો અને પિયુષ પ્રજાપતિને મારવા માટે દોડ્યો હતો, જેથી બંને પરિવારોના સભ્યો સામસામે આવી ગયા હતા અને ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી.

ઝઘડો વધતા કશ્યપ પ્રજાપતિએ ફોન કરીને તેના સસરા ઇશ્વર વરિયાને સ્થળ પર બોલાવી લીધા હતા. ઇશ્વર વરિયા નડિયાદ મહાનગરપાલિકાના કર્મચારી હોવાનું જાણવા મળ્યું છે. ઇશ્વર વરિયાએ ઘટનાસ્થળે આવીને પૂર્વ કાઉન્સિલર તૃપ્તિબેન અને તેમના દીકરા રૂપીત પર સીધો ફટકો મારી દીધો હતો. આ હુમલા દરમિયાન ધારિયા જેવા ઘાતક હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. આ હુમલામાં તૃપ્તિબેન અને તેમના દીકરા રૂપીતના માથાના ભાગે ધારિયાના ગંભીર ઘા વાગ્યા હતા. આ હુમલાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને લોહીલુહાણ હાલતમાં પૂર્વ કાઉન્સિલર અને તેમના દીકરાને તાત્કાલિક સારવાર માટે નડિયાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *