અમદાવાદમાં જગન્નાથની 148મી રથયાત્રાની તૈયારીનો ધમધમાટ.

Featured Video Play Icon
Spread the love

અમદાવાદમાં જગન્નાથની 148મી રથયાત્રાની તૈયારીનો ધમધમાટ.
મેયર અને પદાધિકારીઓએ રથયાત્રાના રૂટનું કર્યું નિરીક્ષણ..
22 જર્જરીત મકાનો ઉતારી દેવાયા, 525 મકાનોને અપાઈ નોટીસ.
દર વર્ષની જેમ આ વર્ષે પણ વાજતે ગાજતે નીકળશે રથયાત્રા.
જગન્નાથજીની રથયાત્રાને લઈને પોલીસ એલર્ટ

આગામી 27 જૂનના રોજ ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળવાની છે. જમાલપુર જગન્નાથ મંદિરથી નીકળનારી રથયાત્રાના 14 કિલોમીટરના રૂટ ઉપર આજે તારીખ 20 જૂનના શુક્રવારે અમદાવાદ શહેરનાં મેયર પ્રતિભા જૈન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, ડેપ્યુટી મેયર જતીન પટેલ સહિતના ભાજપના પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ મંદિરના મહેન્દ્ર ઝા સાથે રૂટ નિરીક્ષણ કર્યું હતું.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ આગામી 27 જૂનના રોજ ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળવાની છે ત્યારે રથયાત્રાના રોડ પર જમાલપુર દરવાજા પાસે રોડની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી બે દિવસમાં પૂર્ણ થઈ જશે, જ્યારે કાલુપુર રેલવે સ્ટેશન પાસે રૂટ ઉપર જે રોડ પર બેરિકેડ્સ લગાવ્યાં હતાં એને ખોલી દેવામાં આવ્યાં છે. રૂટ ઉપર ભયજનક મકાનોને પણ અત્યારે તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવી રહ્યાં છે. મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને આજે અંદાજિત 14 કિલોમીટરના રથયાત્રાના રૂટ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં રોડ રસ્તા રિસર્ફેસ, ઝાડ ટ્રીમિંગ કરવાની, લાઈટો લગાવવાની, પાણીની પરબો અને મેડિકલ સુવિધા તેમજ ભયજનક મકાનો સામે પગલાં લેવા અંગેની સૂચના આપવામાં આવી હતી. મોટા ભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જ્યાં હજી પણ નાની-મોટી કામગીરી કરવાની બાકી છે એ આગામી દિવસોમાં પૂર્ણ થઈ જશે. રથયાત્રાના રૂટને હેરિટેજ રૂટ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે, જેના માટે જમાલપુર જગન્નાથ મંદિરથી ખમાસા કોર્પોરેશન ઓફિસ સુધીના એક કિલોમીટરના રૂટ ઉપર અત્યારે કામગીરી કરવામાં આવી છે.

જોકે ચાલુ વર્ષે રણછોડરાયજી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આખો દિવસ ભક્તો મામેરાનાં દર્શન કરી શકે એ માટે 22 જૂનના રોજ સવારે 11 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી મામેરાનાં દર્શન થાય એ મુજબનું આયોજન કરવામાં આવ્યું છે. ટ્રસ્ટી મહેન્દ્ર ઝા એ જણાવ્યું હતું કે જગન્નાથજીની 148મી રથયાત્રા પરંપરાગત નીકળશે જેને પગલે પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ શરૂ થયેલ અટકળોનો અંત આવ્યો છે. દર વર્ષે મામેરાનાં દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો ઊમટી પડતા હોય છે ત્યારે ચાલુ વર્ષે લોકો આખા દિવસમાં મામેરાનાં દર્શન કરી શકશે. સરસપુર મંદિરમાં મોટી સંખ્યામાં લોકો દર્શન માટે આવતા હોય છે. ચાલુ વર્ષે મંદિરનો ભાગ મોટો પણ કરવામાં આવ્યો છે, જેથી વધુમાં વધુ લોકો રથયાત્રા દરમિયાન દર્શન કરી શકશે.

વર્ષમાં એકવાર અષાઢી બીજના દિવસે નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રામાં સરસપુર મોસાળ તરફથી ભાણેજ એવા ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને ભાવથી મામેરું કરવામાં આવતું હોય છે. મામેરામાં ભગવાનને આપવામાં આવતા વાઘા, દાગીના સહિતની ચીજવસ્તુઓ સાથે મામેરાનાં દર્શન 22 જૂનના રોજ સરસપુર રણછોડરાય મંદિર ખાતે થશે. ભગવાનને મામેરામાં આપવામાં આવેલી તમામ વસ્તુઓ લોકોનાં દર્શન માટે મૂકવામાં આવે છે. દર વર્ષે સાંજે 5 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી મામેરાનાં દર્શન થતાં હોય છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *