રાજ્યમાં વધતાં કોરોનાના કેસને લઈને આરોગ્યમંત્રીનું નિવેદન.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલએ કહ્યું આ લહેર નથી પણ ચોથો તબક્કો છે
જે લોકોને કોરોનાના લક્ષણો હોય તેમણે રથયાત્રામાં ન જવું
રાજકોટમાં કોરોનાના વધુ 10 કેસ નોંધાયા છે. જ્યારે ગુજરાતમાં હાલમાં 1,227 એક્ટિવ કેસ છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં હોસ્પિટલમાં સારવાર મેળવનારા કુલ દર્દીમાંથી 96% વૃદ્ધો, બાળકો અને મહિલાઓ છે. ત્યારે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે
ગુજરાતમાં વધતા કોરોના કેસને લઇ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, આ લહેર નથી પણ ચોથો તબક્કો છે કે કોરોનાના કેસ વધ્યા હોય. આ ઓમિક્રોન ફેમિલીનો જ વેરિઅન્ટ છે. પરંતુ ઘાતક નથી પણ સંક્રમણ થઈ રહ્યું છે. ગઈ વખતે સતત વધારો થયો અને પછી કેસો ઘટ્યા. પરંતુ આ વખતે 100, 125, 200 એવી રીતે વધ્યા છે. આ નુકસાન પહોંચાડી શકે, મૃત્યુ થાય એવો ટ્રેન્ડ નથી પણ સાચવવું જોઇએ. કોઈપણ પ્રકારના લક્ષણ જોવા મળે તો તાત્કાલિક ક્વોરન્ટીન થઈને એસિમ્ટોમેટિક સારવાર ચાલુ કરી દેવી જોઇએ. ખાસ કરીને પ્રેગ્નન્ટ મહિલાઓ તથા કો-મોર્બિડ, ઉંમર લાયક લોકોને સાચવવું જોઇએ. ભીડમાં જવાનું ટાળવું જોઇએ. ગુજરાત સરકારે કોરોના પીક સમયે જે વ્યવસ્થા હતી તે સુનિશ્ચિત કરેલી છે. ઓક્સિજન, મેડિસિનની તમામ વ્યવસ્થા કરી છે. સતત મોનિટરિંગ કરીએ છીએ. રથયાત્રામાં શરદી-ખાંસીના લક્ષણો ધરાવતા લોકોએ જવું જોઇએ નહીં. કો-મોર્બિડ અને ઉંમરલાયક લોકો ઘરે બેસીને ભગવાન જગન્નાથના દર્શન કરે, જેથી બીજાને ચેપ ન લાગે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર 10 જૂન સુધી ગુજરાતમાં કુલ 1,227 કોરોનાના એક્ટિવ કેસો નોંધાયા હતા, જેમાંથી 23 હોસ્પિટલમાં દાખલ છે, 1204 લોકો OPD બેઝ સારવાર હેઠળ છે. જ્યારે 105 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1200ને પાર પહોંચ્યો છે. કોરોનાના નવા 223 કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા કોરોનાથી એકપણ વ્યક્તિનું મોત દર્શાવવામાં આવ્યું નથી. જ્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોનાથી એક વ્યક્તિનું મોત થયું હોવાનું જણાવવામાં આવ્યું છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી