ગુજરાતમાં વરસાદ ખેંચાતા સર્જાશે પાણીની સમસ્યા,
સૌરાષ્ટ્રના 51 ડેમોમાં 20 ટકાથી ઓછું પાણી
સૌરાષ્ટ્રના 51 ડેમોને નર્મદાના નીર પર રહેવું પડશે નિર્ભર.
દ્વારકા, જામનગર, રાજકોટના ડેમોમાં 20 ટકા કરતા ઓછું પાણી.
સૌરાષ્ટ્રમાં પાણીનું સંકટ સર્જાય તેવી સ્થિતિ ઉભી થઈ છે. જો વરસાદ પાછો ખેંચાશે તો સૌરાષ્ટ્રવાસીઓને મુશ્કેલી પડી શકે છે.
હજુ ગુજરાતમાં ચોમાસું બેઠું નથી અને જો ચોમાસું પાછું ખેંચાશે તો સૌરાષ્ટ્રવાસીઓને પાણીની અછત સર્જાઈ શકે છે. હાલમાં સ્થિતિ એવી છે કે મોટાભાગના ડેમના તળિયા દેખાઈ રહ્યા છે. હાલમાં સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબીના 51 ડેમોમાં 20 ટકા કરતા ઓછું પાણી છે. રાજકોટના ગુણવત્તા અને પૂર નિયંત્રણ વિભાગના સિંચાઈ અધિકારી જયદિપ લાવડિયાએ માહિતી આપતા જણાવ્યું કે જો વરસાદ ખેંચાશે તો પાણીની સમસ્યા સર્જાશે. વધુમાં તેમણે કહ્યું કે હાલમાં સૌરાષ્ટ્રના 51 ડેમોમાં 20 ટકાથી ઓછું પાણી છે. રાજકોટ પૂર નિયંત્રણ વિભાગ અંતર્ગત 5 જિલ્લાના 83 ડેમોનો સમાવેશ થાય છે. જેમાં દ્વારકા, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી સહિત જામનગરમાં કુલ 83 ડેમો છે જેમાં કેટલાક ડેમમાં પાણીનું ઘણું ઓછું છે તો કેટલાકમાં બિલકુલ પાણી નથી. પાંચ જિલ્લામાંથી દેવભૂમિ દ્વારકાના ડેમોમાં અત્યારે સૌથી ઓછું પાણી છે.
મળતી માહિતી અનુસાર, દેવભૂમિ દ્વારકાના તમામ 13 ડેમમાં 20 ટકા કરતા ઓછું પાણી છે, તો જામનગર જિલ્લાના 21 ડેમમાંથી 12 ડેમમાં 20 ટકા કરતા ઓછું પાણી છે. રાજકોટ જિલ્લાના 27 ડેમમાંથી 12 ડેમમાં 20 ટકા કરતાં ઓછું પાણી, સુરેન્દ્રનગરના 11 ડેમમાંથી 8 ડેમમાં 20 ટકા કરતાં ઓછું પાણી છે. તો મોરબી જિલ્લાના 10 ડેમમાંથી છ ડેમમાં પણ 20 ટકા કરતા ઓછું પાણી છે. એવામાં હવે પાણી માટે સમસ્યા સર્જાઈ શકે એવી સ્થિતિ ઉભી થઈ છે.
કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી