સુરતના કાપોદ્રા વિસ્તારમાં વહેલી સવારે ભીષણ આગ
એલપીજી સિલિન્ડરનો વિસ્ફોટ થયો
રેસ્ક્યુ કરાયેલા 11માંથી 9ને ઈજાઓ થઈ
સુરતના કાપોદ્રા વિસ્તારમાં વહેલી સવારે ભીષણ આગની ઘટના સામે આવી છે. રચના સર્કલથી આગળ ગૌશાળા પાસે ભરતનગર વિસ્તારમાં આવેલા મરુતિ ચોક નજીક વ્હેલી સવારે આગ લાગતા હડકંપ મચી ગયો હતો. આગ એટલી વિકરાળ હતી કે ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં જ એલપીજી સિલિન્ડરનો વિસ્ફોટ થયો હતો, જેના કારણે આગ વધુ ફેલાઈ ગઈ હતી. તો આગમાં બે લોકોના મોત થયા હતા જ્યારે રેસ્ક્યુ કરાયેલા 11 માંથી 9ને ઈજાઓ થઈ હતી.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં ભરતનગર ખાતે મરૂતિ ચોક નજીક આવેલી ભરત નગર વિસ્તારમાં જી પ્લસ ત્રણ માળની ઈમારતમાં વહેલી સવારે આગની ઘટના બની હતી. સવારે લગભગ સાડા પાંચ વાગ્યે ફાયર વિભાગને કોલ મળતા જ તાત્કાલિક ચાર ફાયર સ્ટેશનના વાહનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. જો કે ફાયર ટીમ પહોંચે તે પહેલાં જ એલપીજી સિલિન્ડરનો વિસ્ફોટ થયો હતો, જેના કારણે આગ વધુ વિકરાળ બની હતી. ફાયર બ્રિગેડ દ્વારા હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી ત્રીજા માળે બંધ પતરાના શેડ તોડી અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ બચાવ કામગીરી દરમિયાન 11 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી 9 લોકોને સામાન્યથી મધ્યમ ઈજાઓ પહોંચી હોય જેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.
આ દુર્ઘટનામાં બે લોકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. ફાયર વિભાગની કામગીરી દરમિયાન 8 એલપીજી સિલિન્ડર મળી આવ્યા હતા, જેમાંથી 2 સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. બાકી સિલિન્ડરો ફાયરે કબ્જે કરી પોલીસને સોંપ્યાં હતાં. હાલમાં ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો છે અને સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
