સુરતમાં : ડમી માલિક ઉભા કરી ફ્લેટ વેચવાના કૌભાંડનો પર્દાફાશ.
સચિન વિસ્તારમાં ઠગબાજોએ 4 ફ્લેટ વેચ્યાનું આવ્યું સામે.
પોલીસે હોસ્પિટલના માલિક સહિત 3 ઠગબાજોને ઝડપ્યા.
સુરતમાં અન્યની જમીન પોતાની બતાવી વેંચી નાંખવાના બનાવો વારંવાર સામે આવે છે ત્યારે સચીનમાં અન્યની જમીનના ડમી માલિક ઉભા કરી વેંચવાનો કૌભાંડ સામે આવ્યો છે. અઠવા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે હોસ્પિટલ માલિક, જમીન દલાલ સહિત ત્રણને ઝડપી પાડ્યા છે.
અઠવા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નાનપુરા ખાતે આવેલ બહુમાળી બિલ્ડીંગમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં 44 લાખના 4 ફલેટોના વેચાણ દસ્તાવેજ કરવા આવેલા બે સાક્ષીઓને સ્ટાફે બોલાવી મિલકત વેચનારને ઓળખો છો કે કેમ તે બાબતે પૂછતાં બંને ખરીદનારને ઓળખી છીએ, વેચનારને ઓળખતા નથી. એવું કહેતા સ્ટાફને શંકા ગઈ હતી. તેમણે તરત જ મિલકત વેચનારની પૂછપરછ કરી હતી, જેમાં તેના ફોનમાં આધારકાર્ડ જોતાં બોગસ દસ્તાવેજ બનાવવાનો ખેલ ઉઘાડો પડી ગયો હતો. સબ રજિસ્ટ્રારના સ્ટાફના કર્મચારી અંજનાબેન મુંગલસરાએ અઠવાલાઈન્સ પોલીસમાં ફરિયાદ આપી હતી જેના આધારે અઠવા પોલીસે સચીનમાં રહેતા જમીન દલાલ જીશાન મોહંમદ રફીકખાન, સુથારી કામ કરતા અને સચીનમાં જ રહેતા સંતોષ દામોદર પાણીગ્રાહી તથા નાનપુરામાં આવેલી નુપુર હોસ્પિટલના પ્રદીપ કાશીનાથ શાહુ સામે ઠગાઈનો ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી હતી. તો સુથારી કામ કરનાર સંતોષ પાણીગ્રાહીના ગામના સુધીર લિંગરાજ ગૌંડાએ સચિન ખાતે સાઇપાર્ક બિલ્ડિંગમાં 4 ફલેટ ખરીદી કર્યા હતા, પરંતુ તેમનો છેલ્લાં ઘણાં વર્ષોથી કોઈ પત્તો નથી. જેથી તેઓએ આ ફ્લેટના ડમી ગ્રાહકો ઉભા કરી વેંચવાનો પ્રયાસ કર્યો હોવાનુ સામે આવ્યુ છે.