સુરત : એસએમસી કમિશનરને તેઓના પદ પરથી હટાવવાની દરખાસ્ત લાવવા માંગ
સુરતના માજી કોર્પોરેટર વિજય પાનશેરીયાએ મેયરને લખ્યો પત્ર
શહેર અને સુરતના લોકોના હિત માટે કાર્ય કરવામાં સદંતર નિષ્ફળ રહ્યાનો આરોપ
સુરત મહાનગર પાલિકાના મેયરને માજી કોર્પોરેટરે પત્ર લખી બી.પી.એમ.સી. એક્ટ 1949 ની કલમ 36 ની પેટા કલમ 3 હેઠળ સુરત મ્યુનિસિપલ કમિશનરને તેઓના પદ પરથી હટાવવાની દરખાસ્ત લાવવા માંગ કરી હતી.
સુરતના માજી કોર્પોરેટર વિજય પાનશેરીયાએ મેયર ને પત્ર લખી જણાવ્યુ હતું કે સુરત મહાનગર પાલિકામાં છેલ્લાં ત્રણ વર્ષથી કાર્યરત મ્યુનિસિપલ કમિશનર પોતાની વહીવટી અણઆવડતના લીધે સુરત શહેર અને સુરતના લોકોના હિત માટે કાર્ય કરવામાં સદંતર નિષ્ફળ રહિયા છે,હાલમાં ચોમાસાની શરૂઆતમાં જ સુરત શહેરમાંથી પસાર થતી ખાડીની આજુબાજુના વિસ્તાર જેવાકે લિંબાયત, પર્વતપાટિયા, સણીયા હેમાદ,સીમાડા, કઠોદરા, પાસોદરા વગેરે વિસ્તામાં ખાડી પૂર આવ્યુ છે. મ્યુનિસિપલ કમિશનર તરીકે ટાઉન પ્લાનિંગનું સુવ્યવસ્થિત આયોજન, સુરત શહેરમાંથી પસાર થતી ખાડીના કુદરતી વહેણને અવરોધરૂપ ખાડીની આજુબાજુમાં અને ખાડીને પુરાણ કરીને બનાવેલ અનઅધિકૃત બાંધકામો રોકવામાં નિષ્ફળ તેમજ ખાડીના મુખ પર મીંઢોળા નદી પાસે બનેલા ગેરકાયદેસર ઝીંગા તળાવાનો નિકાલ કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે. આ કારણોને લીધે સુરત શહેરમાં ખાડીપુર આવ્યું અને લાખો લોકોને તેની સીધી જ અસર થઈ તેમજ રહેણાંક લોકોની સાથે સાથે નાના મોટા ધંધાર્થીઓને પણ કરોડો રૂપિયાનું માલમિલકતનું નુકસાન થયું છે. જેથી આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈ આપ મેયરને નમ્ર વિનંતી છે કે સુરત મ્યુનિસિપલ કમિશનરની કાર્ય કરવાની પધ્ધતિ, વહીવટી અણઆવડત તેમજ તેઓની વહિવટી વડા તરીકેની કાર્યક્ષમતા અને કાર્યદક્ષતા પર સવાલ ઉઠાવે છે જેથી ધી બીપીએમસી એક્ટ 1949 ની કલમ 36 ની પેટા કલમ 3 માં દર્શાવ્યાં મુજબ તેઓ એટલે કે મ્યુનિસિપલ કમિશનર અસમર્થતા, દુર્વર્તન અથવા ફરજ બજાવવામાં ગફલત કરવા બદલ કોઈ પણ વખતે હોદ્દા ઉપરથી દૂર કરી શકશે જે મુજબ સુરત મ્યુનિસિપલ કમિશનરને તેઓના પદ પરથી હટાવવા બાબતની દરખાસ્ત આવનારી સામાન્ય સભામાં વધારાના કામ તરીકે લાવવા નમ્ર વિનંતિ કરું છું તેમ કહ્યુ હતું.
