ભાવનગરમાં CRAVE CREAMERY કંપની સાથે વિશ્વાસઘાતનો મામલો
દૂધના ખોટા ફેટ રિપોર્ટ બનાવી આશરે ₹53 લાખનું નુકસાન પહોંચાડ્યાનો આક્ષેપ
ભાવનગર એલસીબીએ અલગ-અલગ ત્રણ ગુનામાં કુલ 6 આરોપીઓને ઝડપી પાડ્યા
ભાવનગરમાં દૂધની કંપની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગંભીર ગુનાનો ભેદ ઉકેલાયો છે. ભોજપરા ગામ ખાતે આવેલી CRAVE CREAMERY LLP કંપનીમાં આવતા દૂધના અસલ ફેટ રિપોર્ટના બદલે ખોટા ફેટ રિપોર્ટ બનાવી પૂર્વ આયોજિત કાવતરું રચવામાં આવ્યું હોવાનો આરોપ છે. આ સમગ્ર કૌભાંડના કારણે કંપનીને આશરે 53 લાખ રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. મામલાની ગંભીરતાને ધ્યાને લઈ ભાવનગર LCBને તપાસ સોંપવામાં આવી હતી. LCBએ અલગ-અલગ ટીમો બનાવી કાર્યવાહી કરી કુલ 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે.
ભાવનગરના ભોજપરા ગામ ખાતે આવેલી CRAVE CREAMERY LLP કંપની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. ફરિયાદ મુજબ કંપનીમાં કામ કરતા કેટલાક કર્મચારીઓએ અન્ય આરોપીઓ સાથે મળી પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું. કંપનીમાં આવતા દૂધના અસલ ફેટ રિપોર્ટના બદલે ખોટા ફેટ રિપોર્ટ તૈયાર કરી કંપની પાસેથી નાણાં પડાવવામાં આવ્યા હોવાનો આરોપ છે. ખોટા ફેટ રિપોર્ટના આધારે થયેલી આ છેતરપિંડીના કારણે કંપનીને આશરે 53 લાખ રૂપિયાનું ગંભીર આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. આ મામલે ભરતનગર, વેળાવદર ભાલ અને તળાજા પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ કુલ ત્રણ ફરિયાદ નોંધાઈ હતી ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર વી. અસારી અને પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સૂચનાથી ત્રણેય ગુનાની તપાસ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી LCB PI એચ.બી. ચૌહાણના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એ. વાઢેર, પી.ડી. ઝાલા અને વી.સી. જાડેજા સહિતની ટીમોએ અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન પોલીસે ફરિયાદમાં દર્શાવેલી જગ્યાઓ પરથી કુલ 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનના ગુનામાં રત્નાભાઈ વાહાભાઈ મેર, શિવભદ્રસિંહ રણજીતસિંહ ચુડાસમા અને CRAVE CREAMERYમાં નોકરી કરતા ગોપાલભાઈ પાંચાભાઈ મેવાડાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે તળાજા પોલીસ સ્ટેશનના ગુનામાં જગદીશભાઈ સવાભાઈ ટોટા અને નાનુભાઈ મકાભાઈ હાડગરડાની ધરપકડ કરાઈ છે ભરતનગર પોલીસ સ્ટેશનના ગુનામાં જયદીપભાઈ કમાભાઈ ભુવાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા તમામ આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.
